
સુરત, 8 ડિસેમ્બર (હિ.સ.)-વરાછા, એકતાનગર ઝુપ઼ડપટ્ટીમાં ગઈકાલે મોડી સાંજે સાડા છ વાગ્યાના આરસામાં ગાડીની સફાઈ કરતા યુવક ઉપર જુના ઝઘડાની અદાવત રાખી વિજય ઉર્ફે વોન્ટેડે સાગરીતો સાથે મળી તલવારના ઘા ઝીક્યા હતા. આટલું ઓછુ હોય તેમ વોન્ટ્ડે છોડાવવા માટે આવેલા તેના સંબંધી તેમજ રાહદારીને પણ મારમારી રોડ પર પાર્ક કરેલા વાહનોની તોડફોડ કરી હતી.
વરાછા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જૂની બોમ્બે માર્કેટની બાજુમાં એકતાનગર ઝુપડપટ્ટીમાં રહેતા વિજયભાઈ રાઠોડ ગઈકાલે સાંજે સાડા છ વાગ્યાના આરસામાં ઘરની બહાર પોતાની ગાડી સાફી કરી રહ્યા હતા. તે વખતે માથાભારે વિજય ઉર્ફે વોન્ટેડ તેના સાગરીતો સાથે આવી જુના ઝઘડાની અદાવત રાખી ઢોર મારમાર્યો હતો. તેમજ વિજય રાઠોડને નીચે પાડી લોખંડના પાઈપ અને તલવારથી હુમલો કરી અનેક ઘા માર્યા હતા. આ દરમિયાન વિજય રાઠોડને બચાવવા માટે આવેલા તેના સંબંધી અને રાહદારીને પણ, વિજય ઉર્ફે વોન્ટેડે મારમારી ઇજાઓ પહોચાડી હતી અને રસ્તા ઉપર પાર્ક કરેલા વાહનોની તોડફોડ કરી જતા જતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
બનાવ અંગે વિજયભાઈ રાઠોડની પત્ની દિપાલીબેન (ઉ.વ.28)એ ફરિયાદ નોધાવતા વરાછા પોલીસે વિજય ઉર્ફે વોન્ટેડ સહિતના આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે