સોમનાથ 23 ફેબ્રુઆરી (હિ.સ.). પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર 42 કલાક સતત ધર્મોત્સવ ઉજવવામાં આવશે. શિવરાત્રી પર્વ પર વર્ષના સૌથી વધુ ભક્તો સોમનાથ મંદિરમાં દર્શને પધારતા હોય છે. ગત વર્ષે પણ મહાશિવરાત્રી પર્વ પર બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ એ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. ત્યારે ભાવિકોના મહાસાગરને ધ્યાને લઈ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના માન.અધ્યક્ષ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના વડપણ હેઠળ અને સચિવશ્રીના માર્ગદર્શન હેઠળ ઉત્તમ યાત્રી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રત્યેક મહાશિવરાત્રીની જેમ સવારે 4:00 વાગ્યે સોમનાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે. સવારે 7 વાગ્યે પ્રાતઃ આરતી કરવામાં આવશે અને ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા ધ્વજા પૂજા અને પાલખી પૂજા કરી 9:30 કલાકે સમગ્ર મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી દર્શનાર્થીઓ માટે પાલખીયાત્રા યોજવામાં આવશે.
વહેલી સવારથી જ શ્રી સોમનાથ ટ્રસ્ટની પરંપરા અનુસાર સોમનાથ યજ્ઞશાળામાં હોમાત્મક લઘુરુદ્ર યાગનું આયોજન કરવામાં આવશે. તેમજ સોમનાથ આવનાર ભક્તોને 25₹માં મહામૃત્યુંજય યજ્ઞનો લાભ મળે તેવું આયોજન કરાયું છે. મંદિરમાં મહાશિવરાત્રીના પર્વ પર સોમેશ્વર મહાપૂજા પીઠિકાની સંખ્યા પણ બમણી કરવામાં આવી છે. મહાશિવરાત્રીની રાત્રિ પર ચાર પ્રહરની મહાપૂજા અને મહા આરતીનું પણ આયોજન કરાયું છે.
સોમેશ્વર પૂજાના બમણી સ્લોટ્સ
શ્રી સોમનાથ મંદિરમાં ધ્વજા અને સોમેશ્વર પૂજા કરાવવા માટે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેને અનુલક્ષીને શ્રી સોમેશ્વર મહાપૂજાના સ્લોટ્સ અને પીઠિકા બમણા કરવામાં આવેલ છે જેમાં
સવારે ૦૮ થી ૦૯, ૦૯ થી ૧૦, ૧૦ થી ૧૧, ૧૨-૩૦ થી ૦૧-૩૦,०૨-०० થી ०૩-००,૦૩-૦૦ થી ૦૪-૦૦, ૦૪-૦૦ થી ૦૫-૦૦,૦૫-૦૦ થી ૦૬-૦૦,૦૭-૩૦ થી ૦૮-૩૦, તેમજ રાત્રે ૦૮-૩૦ થી ૦૯-૩૦, મધ્યરાત્રિએ ૦૧-૦૦ થી ૦૨-૦૦, ०૨-०० થી ०૩-०૦ વાગ્યા સુધી પૂજા કરવામાં આવશે.
ધ્વજા પૂજા માટે વિશેષ આયોજન:
આ સાથે જ ભાવિકોની પ્રિય ધ્વજા પૂજા અને રુદ્રાભિષેક સર્વોત્તમ અનુભવ સાથે ભાવિકો કરાવી શકે તેના માટે મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે વિશેષ કર્મચારીઓ અને માળખાકીય વ્યવસ્થા ગોઠવીને યાત્રીઓને અફૂતપૂર્વ અનુભવ આપવા આયોજન કરાયું છે.
સમુદ્ર કિનારે પાર્થેશ્વર મહાપૂજા:
મહાશિવરાત્રી એટલે ભોળાનાથના ભક્તો માટે વર્ષનો સૌથી મોટો ઉત્સવ. મહાશિવરાત્રીના પર્વ પર શિવભક્તો મહાદેવની અનેકવિધ પ્રકારે આરાધના કરતા હોય છે. અને તેમાં પણ વિશેષ રૂપે જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શિવ પૂજન નું શાસ્ત્રમાં પણ અનેરૂ મહાત્મય વર્ણવવામાં આવ્યું છે. ત્યારે આવનારી મહાશિવરાત્રી પર તા 26/02/2025 ના રોજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો શ્રદ્ધાળુઓને પંચમહાભૂતની અનુભૂતિ કરાવતી શિવજીના સૌથી પવિત્ર સ્વરૂપ પાર્થીવેશ્વર શિવલિંગ પૂજા કરાવવામાં આવશે. આ પૂજા સોમનાથ મંદિરના સાનિધ્યમાં પ્રોમોનેડ વોક-વે પર મારુતિ બીચ ખાતે કરાવવામાં આવશે. જેમાં આકાશ, અગ્નિ, જલ, પૃથ્વી, અને હવા એમ પંચ મહાભૂતની પૂજા સાથે અભિમંત્રિત માટી દ્વારા નિર્મિત પાર્થિવ શિવલિંગની ભકતોને વિસ્તૃત પૂજા કરાવવામાં આવશે. ગત 2 વર્ષથી યોજાતી આ પૂજા ભક્તો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. આ વર્ષે હજારો ભકતોને પૂજાનો લાભ મળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રીના દિવસે સવારે 08:00 થી 09:00 વાગ્યે સોમનાથ મંદિર પરિસર નજીક પ્રમોનેડ વોક-વે પર મારુતિ બીચ ખાતે આ વિશેષ પૂજાનું સુંદર આયોજન થનાર છે. જેનું રજીસ્ટ્રેશન ચાલુ છે.
સોમનાથ મહોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ:
તા.24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આયોજીત આ ત્રી-દિવસીય મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિ અને કલાને સંગીતમય અને નૃત્ય સભર શૈલીમાં દેશ વિદેશમાં ખ્યાતી પ્રાપ્ત કરનાર રાષ્ટ્રીય પુરસ્કારો જીતનાર કલાકારો દ્વારા શ્રદ્ધાળુઓ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે.
25₹ બિલ્વ પૂજા:
મહાશિવરાત્રીના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવને લાખો બિલ્વપત્ર અર્પણ કરવામાં આવનાર છે. ત્યારે પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવ ને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઈ શકે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર પ્રારંભ કરવામાં આવી છે. 25₹ બિલ્વ પૂજા સેવા. ટ્રસ્ટ દ્વારા ગત 2 વર્ષથી ભક્તો માટે આ વિશેષ બિલ્વપુજા શરૂ કરવામાં આવી હતી. જેમાં માત્ર 25 રૂપિયાની ન્યોછાવર રાશિ સાથે ભક્ત તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવે અને પૂજાના પ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ મારફત ભક્તોએ નોંધાવેલ સરનામા પર મોકલવામાં આવે તેવી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રસાદ માટે ભોજ-ભંડારા:
મહાશિવરાત્રીના પર્વ પર સોમનાથ દાદાના દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુઓ મહાદેવનો કૃપા પ્રસાદ પ્રાપ્ત કરે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ ભક્ત સમૂહ દ્વારા અનેકવિધ ભંડારાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં એક જ સ્થાન પર શ્રદ્ધાળુઓને ફલાહાર ભોજન મળશે.
સ્વચ્છતાને લઈને આગવી તૈયારી:
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરેક વ્યવસ્થામાં વધારે કર્મચારીઓ મૂકી મહાશિવરાત્રીના પર્વ પર એક પણ શ્રદ્ધાળુને અગવડ ન પડે તેની ખાસ કાળજી લેવામાં આવી છે. વિશેષ રૂપે જ્યારે લાખો લોકો દિવસ દરમિયાન પધારનાર હોય ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા અને અગ્રીમ મહત્વ આપી રાઉન્ડ ધી ક્લોક સફાઈ ટીમો તૈયાર કરી તીર્થ નિર્મળ અને સ્વચ્છ અનુભવાય તે સુનિશ્ચિત કર્યું છે. વિશેષ આ વખતે પહેલી વખત સફાઈ માટે સ્ટ્રાઇકિંગ ફોર્સ તૈયાર કરવામાં આવી છે જેમાં કોઈપણ વ્યક્તિ ક્યાંય પણ અસ્વચ્છ દેખાય તો આ ટીમનો સંપર્ક કરી તુરંત સ્વચ્છતા કરાવી શકે છે.
મહાશિવરાત્રી પર્વે શ્રી સોમનાથ મંદિર કાર્યક્રમ:
દર્શન પ્રારંભ સવારે ૪-૦૦ કલાકે
પ્રાતઃમહાપૂજા પ્રારંભ ૬-૦૦ કલાકે
પ્રાતઃઆરતી ૭-૦૦ કલાકે
લઘુરૂદ્ર યાગ સવારે ૦૭:૩૦ થી (મંદિર યજ્ઞશાળામાં)
શ્રી પાર્થેશ્વર પૂજન સવારે ૦૮:૦૦ કલાકે, (મારૂતિ બીચ)
નુતન ધ્વજારોહણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા સવારે ૮-૩૦કલાકે
શ્રી સોમનાથ મહાદેવ પાલખી યાત્રા સવારે ૦૯:૦૦ કલાકે
શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા શાંતિ પાઠ સવારે ૦૯-૦૦ થી ૧૦-૦૦ કલાકે
શ્રી સોમનાથ પાઘ પૂજન તથા પાઘ શોભાયાત્રા ૧૦-૦૦ થી ૧૧-૦૦ શ્રી સોમનાથ મંદિર પરીસર
મધ્યાન્હ મહાપૂજા ૧૧-૦૦ કલાકે
મધ્યાન્હ આરતી બપોરે ૧૨-૦૦ કલાકે
મહાશિવરાત્રિએ યાત્રિકો દ્વારા નોંધાવવામાં આવેલ વિશેષ બિલ્વપૂજા બપોરે ૦૧-૩૦ થી ૦૨-૩૦ શ્રી સોમનાથ મંદિર ગર્ભગૃહ
મહામૃત્યુંજય યજ્ઞ પ્રારંભ:બપોરે ૦૩-૦૦ થી ૦૬-૩૦ યજ્ઞશાળા, શ્રી સોમનાથ મંદિર
શ્રૃંગાર દર્શન ભસ્મ, રૂદ્રાક્ષ, બિલ્વપત્ર સાંજે ૪-૦૦ થી ૮-૩૦ (શિવરાત્રિ મહાત્મ્ય શ્રૃંગાર)
સંધ્યાવંદન તથા પુરુષુક્તનો પાઠ શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા સાંજ ૬-૦૦ થી ૬-૪૫ શ્રી સોમનાથ મંદિર પરીસર
સાયં આરતી સાંજે ૭-૦૦ કલાકે
શિવરાત્રી પ્રક્ષાલ પૂજન ૮-૩૦ કલાકે
શિવરાત્રી પ્રથમ પ્રહર પૂજન રાત્રે ૮-૪૫ કલાકે
શિવરાત્રી પ્રથમ પ્રહર આરતી ૯-૩૦ કલાકે
શિવરાત્રી જ્યોતપૂજન ૧૦-૧૫ કલાકે
શિવરાત્રી દ્વિતીય પ્રહર પૂજન પ્રારંભ મધ્યરાત્રે ૧૧-૦૦ કલાકે
શિવરાત્રી દ્વિતીય પ્રહર આરતી ૧૨-૩૦ કલાકે
શિવરાત્રી તૃતીય પ્રહર પૂજન પ્રારંભ ૨-૪૫ કલાકે
શિવરાત્રી તૃતીય પ્રહર આરતી ૩-૩૦ કલાકે
શિવરાત્રી ચતુર્થ પ્રહર પૂજન પ્રાતઃ ૪-૪૫ કલાકે
શિવરાત્રી ચતુર્થ પ્રહર આરતી: સવારે૫-૩૦ કલાકે
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ