નવી દિલ્હી, 8 એપ્રિલ (હિ.સ). બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરના સન્માનમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ), 14 થી 25 એપ્રિલ સુધી બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સ્વાભિમાન અભિયાન ચલાવશે. આ સંદર્ભમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ, મંગળવારે એક રાષ્ટ્રીય કાર્યશાળા શરૂ કરી. તેમણે પક્ષના કાર્યકરોને પ્રચાર દરમિયાન પાયાના સ્તરે સક્રિયતા વધારવા સૂચના આપી.
પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ, કેન્દ્રીય ભાજપ કાર્યાલય ખાતે આયોજિત બંધારણ નિર્માતા, ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકર 'સન્માન અભિયાન' ના રાષ્ટ્રીય કાર્યશાળાના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું.
તેઓએ કહ્યું કે, આ અભિયાન હેઠળ, ભારતીય જનતા પાર્ટી 14 એપ્રિલથી 25 એપ્રિલ સુધી દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને બાબા સાહેબના વિચારો લોકો સુધી પહોંચાડશે. બંધારણની રચનાને સાકાર કરીને, બાબા સાહેબે દેશના સર્વાંગી વિકાસ અને કરોડો લોકોના ઉત્થાનનો માર્ગ મોકળો કર્યો છે. નડ્ડાએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, અમારી સરકારે બાબા સાહેબ સાથે સંકળાયેલા સ્થળોને 'પંચ તીર્થ' તરીકે વિકસાવવા માટે અભૂતપૂર્વ કાર્ય કર્યું છે. તેમના સિદ્ધાંતોને અનુસરીને, આજે ભાજપ 'વિકસિત ભારત' ના સંકલ્પને પ્રાપ્ત કરવાના કાર્યમાં રોકાયેલ છે. દરેક વર્ગનો વિકાસ અને સામાજિક સંવાદિતા એ અમારું લક્ષ્ય છે. રાષ્ટ્રના વિકાસમાં બાબા સાહેબનું યોગદાન અવિસ્મરણીય છે. કાર્યશાળામાં કેન્દ્રીય મંત્રી નડ્ડાએ, પક્ષના કાર્યકરોને અભિયાન અંગે જરૂરી સૂચનાઓ આપી હતી. વર્કશોપ પછી, જેપી નડ્ડાએ પણ એક્સ પર પોસ્ટ કરીને આ ઝુંબેશ વિશે માહિતી શેર કરી.
ઉલ્લેખનીય છે કે, ભાજપ આ અભિયાનને એક મોટા જનસંપર્ક કાર્યક્રમ તરીકે ચલાવશે. જેના દ્વારા ભાજપ અનુસૂચિત જાતિ સમુદાયમાં પોતાની પહોંચને વધુ મજબૂત બનાવવા માંગે છે. પાર્ટીનો ઉદ્દેશ્ય બાબા સાહેબ આંબેડકરના સામાજિક સમાનતા અને ન્યાયના સંદેશને લોકો સુધી પહોંચાડવાનો છે. આ પાર્ટીની નીતિઓ અને વિચારોને સમાજના નબળા વર્ગો સુધી પહોંચાડવાનો પણ પ્રયાસ હશે.
હિન્દુસ્થાન સમાચાર/વિજયાલક્ષ્મી/સુનીલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ