પાટણ, 24 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લામાં 22 જૂને યોજાયેલી 232 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 15 પંચાયતોની પેટા ચૂંટણી માટે 25 જૂને મતગણતરી થશે. 224 સરપંચ બેઠકો માટે 625 ઉમેદવારો અને 563 સભ્યોની બેઠકો માટે 1225 ઉમેદવારો ચૂંટણીમાં મેદાનમાં રહ્યા હતા. જિલ્લાની 603 મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે 77.77% સરેરાશ મતદાન નોંધાયું છે.
હારીજમાં સૌથી વધુ 84.60% અને સિદ્ધપુરમાં સૌથી ઓછું 69.19% મતદાન થયું હતું. રાધનપુરમાં 84.46%, શંખેશ્વરમાં 80.80%, સાંતલપુરમાં 80.26%, સરસ્વતીમાં 78.92%, ચાણસ્મામાં 78.11%, સમીમાં 77.30% અને પાટણમાં 76.71% મતદાન નોંધાયું છે.
મતગણતરી માટે જિલ્લામાં કુલ 9 સ્થળોએ 33 મતગણતરી હોલ અને 116 ટેબલની વ્યવસ્થા કરાઈ છે. કુલ 1284 કર્મચારીઓ મતગણતરી કામગીરીમાં જોડાશે, જેમાં 486 મતગણતરી સ્ટાફ, 645 પોલીસ સ્ટાફ અને 153 વર્ગ-4ના કર્મચારીઓનો સમાવેશ થાય છે.
મતગણતરીના મુખ્ય સ્થળોમાં પાટણમાં યુનિવર્સિટીના બી.બી.એ. ભવન, સરસ્વતીમાં કેન્દ્રીય વિદ્યાલય ચોરમારપુરા, સિદ્ધપુરમાં સરકારી હોમિયોપેથીક કોલેજ દેથળી, ચાણસ્મામાં કે.વી. પટેલ આઈ.ટી.આઈ. રૂપપુર, હારીજમાં મોડેલ સ્કૂલ, સમીમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, શંખેશ્વરમાં મહિલા આઈ.ટી.આઈ. કોલેજ, રાધનપુરમાં મોડેલ સ્કૂલ અને સાંતલપુરમાં પી.એમ. ગોકલાણી ઉ.મા. શાળાનો સમાવેશ થાય છે.
દરેક તાલુકાવાર મતગણતરી હોલ, ટેબલ અને સ્ટાફની વ્યવસ્થામાં પાટણમાં સૌથી વધુ 17 ટેબલ અને 93 મતગણતરી સ્ટાફ કાર્યરત રહેશે. અન્ય વિસ્તારોમાં સરસ્વતીમાં 27 ટેબલ, ચાણસ્મામાં 15, સિદ્ધપુરમાં 18, હારીજમાં 11, સમીમાં 10, શંખેશ્વરમાં 5, રાધનપુરમાં 3 અને સાંતલપુરમાં 10 ટેબલની વ્યવસ્થા છે. દરેક સ્થળે પોલીસ અને વર્ગ-4ના સ્ટાફની પણ સંપૂર્ણ તૈયારી રાખવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર