પાટણ, 27 જૂન (હિ.સ.)પાટણ શહેરના વોર્ડ નં. 11ની સોપાન સોસાયટી પાસે આવેલા ઓક્સફર્ડ વાળા રોડ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. સામાન્ય વરસાદમાં પણ વિસ્તારમાં દસથી બાર કલાક સુધી પાણી ભરાઈ રહે છે, જેના કારણે રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
છેલ્લા પાંચ મહિનાથી સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. પાણી ભરાવા અંગે આજે બપોરે સોસાયટીના રહીશોએ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી.
સમસ્યાનું નિરાકરણ ન આવતા રાત્રે રહીશો વોર્ડના કોર્પોરેટર જયેશભાઈ પટેલના ઘરે પહોંચી ગયા અને ઉગ્ર હોબાળો મચાવ્યો. બાદમાં ચીફ ઓફિસર અને બાંધકામ એન્જિનિયરે તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. જણાવાયું છે કે આ સમસ્યા છેલ્લા પાંચ વર્ષથી ચાલુ છે અને અનેક રજૂઆતો છતાં હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી.
કોર્પોરેટર જયેશભાઈ પટેલે જણાવ્યું કે, 24 કરોડના ખર્ચે વરસાદી પાણીની લાઈન માટે જીયુડીસી દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ છે અને ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે. તેમના જણાવ્યા અનુસાર તા. 19/05/2025ના રોજ તેમણે ચીફ ઓફિસરને પત્ર લખી સમસ્યા જણાવી હતી. તાજેતરમાં પ્રાંત અધિકારીએ પણ સોસાયટીના પ્રમુખ અને ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં બેઠક બોલાવી હતી. તેમ છતાં મોડી રાત્રે પણ તેઓ ચીફ ઓફિસર સાથે સાઇટ પર જઈ કામગીરી અંગે સમીક્ષા કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર