પાટણ, 28 જૂન (હિ.સ.)રાધનપુરની 32 વર્ષની પરિણીત મહિલા સાથે પંજાબના લુધિયાણાના 23 વર્ષીય ગુરુચરણ સિંગે સોશિયલ મીડિયા પર પરિચય કેળવ્યો હતો. તેનાં શેરચેટ, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ મારફતે મહિલાની સાથે સંપર્કમાં આવ્યો હતો અને તેના ફોટા મેળવ્યા હતા. બાદમાં આરોપીએ ફોટાઓને ન્યૂડ બનાવી મહિલાને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું અને ધમકી આપી તેના પાસેથી રૂ. 10,000 વસૂલ્યા હતા.
મહિલા પર દબાણ બનાવી આરોપીએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. અમદાવાદ અને મહેસાણાના ગેસ્ટહાઉસમાં બોલાવી આ પ્રવૃત્તિ કરી હતી. આરોપી સતત મહિલાને પરિવારજનોને ફોટા મોકલવાની ધમકી આપી ડરાડતો હતો, જેના કારણે મહિલાની માનસિક પરિસ્થિતિ પણ નબળી પડી હતી.
આ સમગ્ર ઘટના ઓક્ટોબર 2023થી જૂન 2025 દરમિયાન બની હતી. મહિલાએ આખરે હિમ્મત કરી રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા BNS 2023ની કલમ 64(1), 308(1), 308(2), 351(1), 351(3) તેમજ IT એક્ટ હેઠળ ગુનો નોંધી PI એમ.કે. ચૌધરી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર