ગાંધીનગર, 28 જૂન (હિ.સ.) : ભારતના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ રાજભવન પધાર્યા હતા. તેમણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને મહાનુભાવો વચ્ચે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતીના વિસ્તરણ અને સહકારી ક્ષેત્રની ભૂમિકા અંગે ઊંડો વિચાર-વિમર્શ થયો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ અમિતભાઈ શાહને ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ચાલી રહેલા પ્રયાસોની વિસ્તૃત માહિતી આપી. તેમણે જણાવ્યું હતું કે, ખેડુતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી માટેનું જન આંદોલન જનભાગીદારીથી રાજ્યમાં ઝડપથી વિસ્તરી રહ્યું છે.
આ અવસરે અમિતભાઈ શાહે ગુજરાતમાં ચાલી રહેલા પ્રાકૃતિક ખેતીના અભિયાનની પ્રશંસા કરી અને કહ્યું કે, આ કાર્ય માત્ર ખેડુતોના આર્થિક સશક્તિકરણનું સાધન નથી, પરંતુ જમીન, પાણી અને પર્યાવરણની રક્ષા માટેનો મહત્વપૂર્ણ ઉપાય પણ છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ