પાટણ, 5 જૂન (હિ.સ.) : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આજના વિશ્વ પર્યાવરણ દિવસના પ્રસંગે ખાસ યાદ કરવા જેવી છે. કેમ્પસમાં આજના વિદ્યાર્થીઓની સંખ્યાથી ત્રણગણા વૃક્ષો છે. અંદાજે 230 એકરમાં ફેલાયેલા કેમ્પસમાં 10 હજારથી વધુ વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે, જેના પરિણામે કેમ્પસનું તાપમાન બહારના તાપમાન કરતાં 2–3 ડિગ્રી ઓછું રહે છે. 1985માં સ્થાપિત અને 1992માં શરૂ થયેલી યુનિવર્સિટીમાં શરૂઆતમાં ગણતરીના વૃક્ષો હતા, પરંતુ વર્તમાન અને ભૂતપૂર્વ અધ્યાપકો તથા વિદ્યાર્થીઓના સતત પ્રયાસોથી આજે લીમડાં સહિતના અનેક વૃક્ષો કેમ્પસને હરિયાળું બનાવે છે.
યુનિવર્સિટીના રજીસ્ટ્રાર રોહિત દેસાઈના જણાવ્યા મુજબ, 22 ડિપાર્ટમેન્ટમાં લગભગ 3000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને દરેક વિભાગની આજુબાજુ લીલીછમ વૃક્ષો છે. દર વર્ષે નવા વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવે છે અને વૃક્ષોની જાળવણી માટે ખાસ પ્રયાસો થાય છે. પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ કહ્યું કે, રિઝલ્ટ સેન્ટર પાસે સ્ટાફ દ્વારા 200 જેટલા વિશિષ્ટ વૃક્ષોનો બગીચો તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં આવતી ઋતુઓમાં ફળ પણ આવે છે અને તે ફળ પક્ષીઓ માટે રાખવામાં આવે છે. વૃક્ષો પર પાણીના કુંડા અને માળા પણ બાંધવામાં આવ્યા છે.
યુનિવર્સિટીના પૂર્વ કર્મચારીએ જણાવ્યું હતું કે, શરૂઆતના દિવસોમાં કેમ્પસ વિસ્તારમાં ખેતરો હતાં અને માત્ર ખેતરના શેઢા પર જ થોડી વૃક્ષો હતી. પરંતુ દર વર્ષે થતાં વૃક્ષારોપણ અભિયાનથી આજે મોટા પ્રમાણમાં વૃક્ષો ઉભા થયાં છે. MBAના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના સેક્રેટરી કે.કે. પટેલે જણાવ્યું હતું કે, ચાર વર્ષ પહેલાં પૂર્વ કુલપતિ બી.એ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ 3500 જેટલા વૃક્ષો વાવ્યા હતા, જેમાં કર્મચારી મંડળ અને વિદ્યાર્થીઓનો મોટો ફાળો રહ્યો છે.
આ રીતે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીએ લાઇનબધ્ધ વૃક્ષોની હરમાળાથી હરીયાળી ક્રાંતિ સર્જી છે, જે માત્ર તાપમાન નિયંત્રણ સુધી સીમિત નથી રહી, પણ પ્રકૃતિ પ્રેમ અને પર્યાવરણ જાળવણી માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ બની છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર