પાટણ, 5 જૂન (હિ.સ.)પાટણ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે ગુજરાત લાઇવલીહુડ મિશન અને સ્વચ્છ ભારત મિશન હેઠળ 'માય થેલી' પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. પાટણ નગરપાલિકાની સમાજ સંગઠન શાખા દ્વારા શરૂ કરાયેલી આ પહેલનું મુખ્ય ઉદ્દેશ શહેરમાંથી પ્લાસ્ટિક થેલીઓનો ઉપયોગ ઘટાડવાનો અને પર્યાવરણના સંરક્ષણમાં યોગદાન આપવાનો છે. આ પ્રોજેક્ટ 31 ઓક્ટોબર સુધી ચાલશે.
પ્રોજેક્ટ અંતર્ગત નાગરિકો પોતાના જૂના કપડાં લાવીને વિનામૂલ્યે થેલી બનાવડાવી શકે છે. થેલી માટે જરૂરી ચેઇન કે બટન જેવી વસ્તુઓ નાગરિકોને પોતે લાવવાની રહેશે. આ થેલીઓ નીરજા સખી મંડળની મહિલાઓ દ્વારા બનાવવામાં આવી રહી છે અને સ્વસહાય જૂથની બહેનોને સિલાઈ મશીન પર કામ માટે બેસાડવામાં આવી છે.
આ સેવા પાટણ નગરપાલિકાના બગવાડા દરવાજા પાસે આવેલા જન સેવા કેન્દ્રમાં દર ગુરુવાર અને શુક્રવારે ઉપલબ્ધ રહેશે. સેવા સમય સવારે 10:30 થી બપોરે 2:00 અને બપોરે 3:00 થી સાંજે 6:00 સુધીનો રહેશે. સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ સ્વચ્છ ભારત મિશનની ગ્રાન્ટમાંથી કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર