-બન્ને પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન કરાવી ગર્ભવતી મહિલાના લગ્નજીવનને બચાવતું હાલોલનું મહિલા સહાયતા કેન્દ્ર
ગોધરા, 12 જુલાઈ (હિ. સ.) હાલોલ ખાતે આવેલ મહિલા સહાયતા કેન્દ્રમાં એક અરજદાર બેન દ્વારા અરજી આપવામાં આવી હતી કે તેમના લગ્નના અંદાજે બે વર્ષ સુધી તેમનો ઘરસંસાર સુખેથી ચાલતો હતો પરંતુ છેલ્લા એક વર્ષથી તેમના પતિ માદક દ્રવ્યનું વ્યસન કરી અને બેન પર ખોટી રીતે વહેમ શંકા કરી અરજદાર બેનને માનસિક ત્રાસ આપે છે. અરજદાર બેન ગર્ભવતી છે તેવી સ્થિતિમાં બેનના પતિ નશામાં તેમની પત્નીના ચારિત્ર્ય વિશે અપશબ્દો કહી અન્ય પુરુષોના ખોટા નામ લઇ અને પત્ની ઉપર ખોટી રીતે વહેમ શંકા રાખી માનસિક ત્રાસ આપતા હતા.
જેથી મહિલા સહાયતા કેન્દ્ર, હાલોલ દ્વારા અરજદાર બેન અને તેમના પતિ એમ બન્ને પક્ષકારોને મહિલા સહાયતા કેન્દ્ર ખાતે બોલાવી વ્યક્તિગત તેમજ જૂથ મીટિંગ કરી કાઉન્સેલિંગ કરી સમાધાન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
મહિલા સહાયતા કેન્દ્રમાં કાઉન્સિલર દ્વારા અરજદાર બેનના પતિને બેન સાથે કરવામાં આવતા અસભ્ય વ્યવહાર અને માનસિક ત્રાસ માટે કાયદાકીય જોગવાઈઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું અને અરજદાર બેન (પત્ની)ને માનસિક ત્રાસ કે હેરાનગતિ ના કરવા સમજણ આપી. ત્યારબાદ બેનના પતિએ તેમની ભૂલ સ્વીકારી અને લેખિતમાં લખાણ કરી આપ્યું કે હવેથી તેઓ ક્યારેય તેમની પત્ની ઉપર વહેમ/શંકા નહી કરે અને તેઓ બંન્ને એક સાથે સમજદારીપૂર્વક સુખેથી રહેશે તેમ કહી સમાધાન કર્યું હતું.
અરજી આપ્યા બાદ અરજદાર બેન તેમના પિયરમાં હતા. બન્ને પક્ષની આ મુલાકાત બાદ તેમની આપસી સહમતિથી બંને વચ્ચે સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અરજદાર બેન તેમના પતિ સાથે પોતાના ઘરે(સાસરિયા) ગયા હતા. સુખદ સમાધાન માટે બંને પક્ષકારોએ મહિલા સહાયતા કેન્દ્ર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ