પાટણ, 2 જુલાઈ (હિ.સ.) : દશાવાડા ગામે આજે દેશસેવામાંથી નિવૃત્ત થયેલા વીર જવાન વાઘેલા હરિસિંહ સબળાજીનું હર્ષોલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું. હાઈવે પરથી ગામ સુધી એક કિલોમીટર લાંબું સામૈયું ઢોલ-નગારા અને શંખનાદ સાથે નીકળ્યું. યુવાઓ, મહિલાઓ, વડીલો અને બાળકો દ્વારા ફૂલોની વર્ષા અને તિરંગાના આભાસ સાથે તેમનું ઉમંગભેર અભિનંદન કરવામાં આવ્યું.
ગામના નીલકંઠ મહાદેવ મંદિર ખાતે આયોજિત સન્માન સમારંભમાં વાઘેલા હરિસિંહને શાલ, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા. ગ્રામજનોએ આત્મિયતાપૂર્વક ભેટ-સોગાદો અર્પણ કરી તેમનો આભાર માન્યો. વાઘેલા હરિસિંહે કહ્યું કે દેશસેવામાં જીવન અપાવવું તેમના માટે ગર્વની વાત છે અને યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો સંદેશ આપ્યો.
હરિસિંહ વાઘેલાએ 2007માં બિહારમાં તાલીમ લીધી હતી અને બાદમાં જમ્મુ-કાશ્મીર, ઉજ્જૈન, દિલ્હી, બિહાર અને રાજસ્થાનમાં ફરજ બજાવી હતી. તેઓ હાલમાં દિલ્હીમાં ફરજ પરથી નિવૃત્ત થયા છે. દશાવાડામાં યોજાયેલ આ સન્માન સમારોહ માત્ર નિવૃત્ત સૈનિકનું કદરદાન કાર્યક્રમ નથી, પણ દેશભક્તિ અને શૌર્યની ભાવનાનું જીવંત પ્રતિક છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર