પાટણ, 2 જુલાઈ (હિ.સ.) : નર્મદા મેઈન કેનાલ આધારિત રાધનપુર-સાંતલપુર જૂથ યોજના અંતર્ગત રાધનપુર તાલુકાના 56 અને સાંતલપુર તાલુકાના 70 ગામો સહિત કુલ 126 ગામોને પાણી પૂરું પાડવાની વિસ્તૃત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાટુંન મેઈન હેડવર્ક્સ ખાતે 60 એમએલડી ક્ષમતા ધરાવતો ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત છે, જે વિવિધ રાઈઝિંગ મેઈન પાઈપલાઈનો મારફતે નિયમિત પાણી પુરવઠો આપે છે.
સાંતલપુરથી 5 થી 40 કિલોમીટરના રણ વિસ્તારમાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને ઓક્ટોબર-નવેમ્બરથી શરૂ થતી મીઠું પકવવાની સીઝનમાં અગરિયાઓ રણ વિસ્તારમાં આવે છે અને મે મહિનામાં સીઝન પૂરું થાય છે. ગત વર્ષે આ વિસ્તારમાં પાણી પુરવઠાની કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી નહોતી, જેને લઈને અગરિયા હિતરક્ષક મંચ, સાંતલપુર તરફથી ટેન્કરોની માંગણી ઉઠાવવામાં આવી હતી.
રાધનપુરના જાહેર આરોગ્ય બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર અનુસાર, અગરિયાઓ ડિપોઝિટ રકમ જમા કરાવ્યા બાદ અને જિલ્લા પાણી સમિતિની મંજૂરી મળ્યા પછી તેમની માગ મુજબ ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર