કોડીનાર 25 જુલાઈ (હિ.સ.) કોડીનાર ખાતે કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પ્રાકૃતિક કૃષિ સહિતની માહિતીથી ખેડૂતોને કૃષિલક્ષી અભિગમથી માહિતગાર કરે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના માધ્યમથી ખેડૂતો વિવિધ ખેતલક્ષી માહિતી મેળવી અને ખેતરમાં ઉપજ વધારવા માટે પ્રયત્નશીલ રહે છે. ત્યારે, કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ટીમની મહેનત થકી સફળતામાં વધુ એક છોગું ઉમેરાયું છે.
ભૂજ ખાતે ૨૦ થી ૨૨ જુલાઈ ૨૦૨૫ એમ બે દિવસ દરમિયાન યોજાયેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વાર્ષિક ઝોનલ વર્કશોપમાં કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્રને બેસ્ટ પ્રેઝન્ટેશન એવોર્ડ એનાયત કરાયો હતો.
ભૂજમાં ઝોન ૮ (ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્ય)ના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વાર્ષિક ઝોનલ વર્કશોપ યોજાયો હતો. જેમાં કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્રને શ્રેષ્ઠ પ્રેઝન્ટેશન એવોર્ડ મળ્યો હતો.
આ વર્કશોપમાં આઈ.સી.એ.આર. અટારીના ડિરેક્ટર ડૉ. એસ.કે.રોય, ભૂતપૂર્વ ડી.ડી.જી- એગ્રી. ડૉ. પી. દાસ, ભૂતપૂર્વ ડી.ડી.જી એગ્રી.એક્સ્ટેન્શન ડૉ. કે.ડી. કોકાટે, ભૂતપૂર્વ વીસી બી.સી.કેવી મોહનપુર, ડૉ. એમ. એમ. અધિકારી, ભૂતપૂર્વ આઈ.સી.એ.આર. અટારી બેંગ્લોર ડૉ. પ્રભુ કુર્મર, વીસી વી.એન.એમ કે.વી પરભણી, ડૉ. ઇન્દ્રમણિએ તમામ ૮૨ કેવિકેના પ્રગતિ અહેવાલ અને નોંધપાત્ર સિદ્ધિઓનું મૂલ્યાંકન કર્યું હતું.
સમાપન સત્રમાં ડીડીજી,એગ્રીકલ્ચર એક્સ્ટેન્શન, ડૉ. રાજવીર સિંહ વર્ચ્યુઅલ માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયા અને કેવિકેના કાર્યની પ્રશંસા કરી હતી. આ એવોર્ડ મહાનુભાવોની હાજરીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સીનિયર સાયન્ટિસ્ટ અને હેડ જિતેન્દ્ર સિંહને એનાયત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ