પાટણ, 25 જુલાઈ (હિ.સ.)જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં આજે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ત્રણ મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ. આ બેઠકોનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના સંવેદનશીલ વર્ગોના કલ્યાણ અને વિકાસ માટે સરકારની યોજનાઓ અને કાયદાઓનો અસરકારક અમલ સુનિશ્ચિત કરવાનો હતો. કલેક્ટરે સંબંધિત વિભાગોને સક્રિયપણે કાર્ય કરવા અને નિયમિત પ્રગતિ અહેવાલ રજૂ કરવાની સૂચના આપી હતી.
પ્રથમ બેઠક 'ધી રાઇટસ ઓફ પર્સન્સ વીથ ડીસેબીલીટીઝ એક્ટ, 2016' અંગે હતી, જેમાં દિવ્યાંગજનોના હક્કોનું રક્ષણ અને સુગમ્યતા સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કલેક્ટરે જાહેર ઇમારતો દિવ્યાંગજનો માટે સુલભ બનાવવી અને તેમને સમાન તકો પૂરી પાડવા દિશામાં વધુ વેગ આપવા કહ્યું હતું.
બીજી બેઠક 'માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ અંગેના અધિનિયમ, 2007' પર કેન્દ્રિત હતી. તેમાં વરિષ્ઠ નાગરિકો માટે કાયદાકીય સુરક્ષા, ભરણપોષણ અને કલ્યાણ માટેની વિવિધ યોજના અને વ્યવસ્થાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
ત્રીજી બેઠક ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત યોજાઈ, જેમાં નશાના દુષણ સામે લડત, યુવાનોમાં જાગૃતિ અને વ્યસનમુક્તિ માટેના કાર્યક્રમોને વધુ અસરકારક બનાવવા ચર્ચા થઈ. જિલ્લાના નશામુક્તિ હેતુ માટે સંકલિત પ્રયાસો કરવા ઉપર પણ ભાર મૂકાયો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર