પાટણ, 25 જુલાઈ (હિ.સ.)ગોખાતર ગામડી પ્રાથમિક શાળામાં વિધાર્થીઓ માટે શૈક્ષણિક કીટ અને જીન્સ-ટીશર્ટના ગણવેશ વિતરણનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. વિતરણ કાર્ય તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જયરામભાઈ વઢેરના હસ્તે કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સરપંચ મોહનભાઈ, સામાજિક આગેવાન દરિયાખાન મલેક, એસ.એમ.સી. અધ્યક્ષ ચીનુભાઈ અને સભ્યો ઉપરાંત, મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતે વિદ્યાર્થીઓને ખમણનો નાસ્તો આપવામાં આવ્યો અને સંચાલન શિક્ષક બી.બી. પટેલે કર્યું.
વિશ્વપ્રસિદ્ધ કથાકાર મહામંડલેશ્વર માં કનકેશ્વરી દેવીજી (હરિહર ધામ, ખોખરા મંદિર – બેલા, મોરબી)ની પ્રેરણાથી સદગુરુ પરિવાર લુણીચાણા સેવાભાવી પ્રવૃત્તિઓ કરે છે. સંસ્થા દ્વારા મિઠાઈ, ફટાકડા, પતંગ-દોરી, રંગ-પિચકારી અને ફળોનું તહેવારો દરમ્યાન વિતરણ કરવામાં આવે છે. તેમજ તિથિ ભોજન, અંબાજી પદયાત્રા સેવા અને મેડિકલ કેમ્પ જેવી જનહિતની સેવાઓ પણ આપવામાં આવે છે.
કાર્યક્રમની સફળતા માટે ગોખાતર ગ્રામ પંચાયતના નવા સરપંચ તથા તેમની ટીમે સક્રિય સહયોગ આપ્યો હતો. શાળાના આચાર્ય, મદારસિંહ ગોહિલ અને સમગ્ર શાળા પરિવાર બાળકોની સર્વાંગી પ્રગતિ માટે સતત પ્રયાસશીલ છે. બાળકોમાં કુપોષણ ન રહે તે માટે શાળામાં દરરોજ બે ખજૂર આપવામાં આવે છે, જે આરોગ્યપ્રદ અભિગમને દર્શાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર