પાટણ, 26 જુલાઈ (હિ.સ.) : સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, સમી ખાતે ઇતિહાસ વિભાગ દ્વારા ‘કારગીલ વિજય દિવસ’ની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. ટેકપાલસિંહ પી. આનંદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત ડૉ. ખુશ્બુબેન મોદીના પ્રાર્થનાગાનથી થઈ હતી, ત્યારબાદ ડૉ. ચેતનભાઈ પ્રજાપતિએ શૌર્યગાન રજૂ કર્યું અને પ્રિન્સિપાલ ડૉ. ટેકપાલસિંહ આનંદે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું. ઇતિહાસ વિભાગના અધ્યક્ષ સંજયભાઈ પટેલે ઓપરેશન વિજય વિશે વિસ્તૃત માહિતી આપી.
કાર્યક્રમ દરમિયાન ઓપરેશન વિજય અંગેની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ રજૂ કરવામાં આવી, જેમાં કારગીલ યુદ્ધના સંસ્મરણો અને વીર જવાનોના શૌર્ય કિસ્સાઓ જીવંત થયાં. ઇતિહાસ વિભાગના મદદનીશ પ્રાધ્યાપક જેવતભાઈ ચૌધરીએ ગુજરાતના ૧૨ વીર શહીદ જવાનોની શૌર્યગાથાઓ રજૂ કરી, જેને સાંભળી શ્રોતાઓ ભાવવિભોર થઈ ગયા.
કાર્યક્રમના અંતે ડૉ. અમર ચક્રવર્તીએ આભારવિધિ રજૂ કરી અને રાષ્ટ્રગાનથી કાર્યક્રમનો સમાપન કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પણ જેવતભાઈ ચૌધરીએ સંભાળ્યું હતું. લગભગ ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી દેશપ્રેમ અને શહીદો પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પિત કરી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર