પાટણ, 26 જુલાઈ (હિ.સ.) : કારગિલ વિજય દિવસની ઉજવણી તરીકે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા 26 જુલાઈના રોજ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી શહેરના ત્રણ દરવાજા વિસ્તારથી શરૂ થઈ હતી અને બગવાડા વિસ્તારમાં જઈને પૂર્ણ થઈ હતી. રેલી દરમિયાન કાર્યકરો દેશભક્તિના જજ્બાથી ભરાયેલા જોવા મળ્યા હતા.
ભાજપના મોટી સંખ્યામાં કાર્યકરો હાથમાં મશાલ અને વીર શહીદોના પ્લેકાર્ડ લઈને રેલીમાં જોડાયા હતા. સાઉન્ડ સિસ્ટમ પર દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા, જે સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવતું હતું. રેલી મેઇન બજાર માર્ગે પસાર થઈ હતી.
આ કાર્યક્રમ દરમિયાન કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. યુવા મોરચાએ શહીદોના બલિદાનને યાદ કરીને તેમના સાહસને બિરદાવ્યું હતું. કાર્યક્રમમાં સ્થાનિક ભાજપના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર