નવી દિલ્હી, 31 જુલાઈ (હિ.સ.). ભારતનો પહેલો મેક-ઇન-ઇન્ડિયા 1 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ બુધવારે ગુજરાતના કંડલામાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી (ડીપીએ) ખાતે શરૂ કરવામાં આવ્યો. તેના કમિશનિંગ સાથે, ડીપીએ મેગાવોટ-સ્કેલ ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા ચલાવનાર દેશનું પ્રથમ બંદર બન્યું છે. આ પ્રસંગે, કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે, રાજ્ય મંત્રી શાંતનુ ઠાકુર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું.
આ પહેલને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'ગ્રીન ઇન્ડિયા'ના વિઝન તરફ એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે. પ્લાન્ટની ખાસ વાત એ છે કે, તે સંપૂર્ણપણે ભારતમાં બનેલ છે અને સ્વ-નિર્ભરતા અને ટકાઉ વિકાસ માટેના દેશના સંકલ્પને મજબૂત બનાવે છે. આ પ્લાન્ટ દર વર્ષે લગભગ 140 મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરશે, જે દરિયાઇ ક્ષેત્રને ડીકાર્બોનાઇઝ કરવામાં અને બંદર કામગીરીને વધુ પર્યાવરણને અનુકૂળ બનાવવામાં મદદ કરશે.
સોનોવાલે જણાવ્યું હતું કે, આ વર્ષે મે મહિનામાં, ભુજમાં પ્રધાનમંત્રી મોદી દ્વારા 10 મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. માત્ર ચાર મહિનામાં, તેનું પ્રથમ 1 મેગાવોટ મોડ્યુલ કાર્યરત થયું, જે એક ઉદાહરણ છે. તેમણે કહ્યું કે દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ મેરીટાઇમ ઇન્ડિયા વિઝન 2030 ને વાસ્તવિકતામાં ફેરવીને ગતિ, સ્કેલ અને કૌશલ્યનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે.
ડીપીએ ખાતે પહેલાથી જ તૈનાત ભારતના પ્રથમ ઓલ-ઇલેક્ટ્રિક ગ્રીન ટગનો ઉલ્લેખ કરતા, મંત્રી સોનોવાલે કહ્યું કે, ગ્રીન પહેલ પ્રત્યે બંદરની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે. તેમણે એલ એન્ડ ટીની એન્જિનિયરિંગ ટીમ અને ડીપીએના નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે આ જટિલ પ્રોજેક્ટ જે ઝડપ અને ચોકસાઈ સાથે પૂર્ણ થયો છે તે પ્રેરણાદાયક છે.
રાજ્યમંત્રી શાંતનુ ઠાકુરે પણ આ સિદ્ધિની પ્રશંસા કરી અને કહ્યું કે, આ માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે. તેમણે કહ્યું કે, આ પ્લાન્ટ સ્વચ્છ ઉર્જા અને આત્મનિર્ભરતા તરફ ભારતના ઝડપી પગલાંનું પ્રતીક છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ