ગાંધીનગર, 6 જુલાઈ (હિ.સ.) : પ્રધાનમંત્રીના પર્યાવરણ પ્રત્યેના દ્રષ્ટિકોણ અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ પ્રકૃતિના સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે, ગાંધીનગર મહાનગરપાલિકાની બાગાયત શાખા દ્વારા આજે શનિવારે એક પેડ માં કે નામ ૨.૦ અને કેચ ધ રેઈન પહેલ અંતર્ગત એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સેક્ટર-૨૨ સ્થિત પંચદેવ મંદિર સામે અંદાજિત ૭૦૦૦ ચો.મી. વિસ્તારમાં ૫૦૦૦ સિંદુરના વૃક્ષોના રોપાનું વાવેતર કરીને સિંદુર વનનું નિર્માણ કરવામાં આવ્યું.
આ સિંદુર વનનું નિર્માણ ખાસ હેતુથી કરવામાં આવ્યું છે. ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદુર હેઠળ મેળવેલી જ્વલંત સફળતા તેમજ દેશના બહાદુર સૈનિકોની શૌર્યગાથાનું હંમેશા સ્મરણ રહે તે હેતુથી આ વન વિકસાવવામાં આવ્યું છે.
વધુમાં, ભારતીય સંસ્કૃતિમાં સિંદુરનું આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ઘણું મહત્વ છે. ભગવાન હનુમાન દાદાને પણ સિંદુર અતિપ્રિય હોવાથી, આજ શનિવારના શુભ દિવસે સિંદુર વનના વાવેતરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, નાયબ મેયર નટવરજી ઠાકોર, ગાંધીનગર (ઉત્તર) ધારાસભ્ય રીટાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, મ્યુનિસિપલ કમિશનર જે.એન.વાઘેલા, શહેર પ્રમુખ આશિષભાઈ દવે, પક્ષના નેતા અનિલસિંહ વાઘેલા, બાગાયત સમિતિના ચેરમેન સોનાલીબેન પટેલ સહિતના પદાધિકારીઓ, કર્મચારીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ એક પેડ માં કે નામ ૨.૦ અને કેચ ધ રેઈન પહેલ દ્વારા ગાંધીનગરને વધુ લીલુંછમ અને જૈવવિવિધતા સભર વાતાવરણ પૂરું પાડવાનો છે. આ ઉપરાંત, ભારતીય સેનાના જવાનોના સાહસને બિરદાવવા અને પ્રજાજનોને વધુને વધુ વૃક્ષારોપણ કરવા માટે પ્રેરણા મળે તે અર્થે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ