પોરબંદર, 6 જુલાઈ (હિ.સ.) : આજરોજ પોરબંદર લોકસભાના સાંસદ તેમજ શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના અધ્યક્ષસ્થાને પોરબંદર જિલ્લાના વિવિધ વિકાસ કામો માટે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ
(રાજ્ય અને પંચાયત) હસ્તકના માર્ગ અને મકાન વિભાગના રકમ રૂપિયા 1280.48 લાખ ના કુલ ખર્ચે હાથ ધરાનારા કામગીરીઓના ઇ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો.ખાતમુહૂર્ત કાર્યક્રમ પોરબંદર શહેરના રાવલીયા પ્લોટ વિસ્તારમાં આવેલા રાજપૂત સમાજ ભવન ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે પોરબંદર જિલ્લામાં હાલ 1500 થી 1700 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો જે પોરબંદરને નવી દિશામાં આગળ વધારશે. તેમણે જણાવ્યું કે માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતું નથી, નવી ઉદ્યોગિક શક્યતાઓ અને રોજગાર સર્જવા માટે માનસિકતા બદલવી જરૂરી છે. પોરબંદરની છબી સુધારવી જરૂરી છે અને કાયદો વ્યવસ્થાની કોઈ ખોટ ન રહે એ સુનિશ્ચિત કરવું જોઈએ. પોરબંદરને વિકાસના માર્ગે લઈ જવા માટે જનસહયોગ અનિવાર્ય છે.મંત્રીએ જણાવ્યું કે વિકાસનો અર્થ માત્ર બાંધકામ નહીં પણ માનવીય વિકાસ પણ છે — જેમ કે આરોગ્ય, શિક્ષણ અને તંદુરસ્તી. તેઓએ સ્વસ્થ નાગરિકને સ્વસ્થ સમાજના આધારસ્તંભ ગણાવ્યા અને સાઇકલિંગના લાભો સમજાવ્યા. તેઓએ પોતાનો ઉદાહરણ આપતા કહ્યું કે તેઓ સંસદમાં સાઇકલ લઈ જતા હતા અને કહ્યું કે જેમ યોગ ફેશન બન્યું છે, તેમ સાઇકલિંગ ને પણ ફેશન બનાવવું પડશે.દેશભરમાં બધા તાલુકામાં તાલુકા કક્ષાનું સ્પોટ સ્ટેડિયમ અને દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાનું મોટું સ્ટેડિયમ બને જેથી દેશનો યુવાન ખેલતો થાય અને ખીલતો થાય તે અગત્યનું છે. તેમણે પોરબંદર શહેરમાં રેલવે કનેક્ટિવિટી સુનિશ્ચિત થાય અને પહેલાની જેમ પોરબંદરને બંદરને પણ ધમધમતુ તે દિશામાં ચાલી રહેલા કામ અંગે પણ માહિતી આપી હતી.કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, તમારું કામ મત આપી જન પ્રતિનિધિ ચૂંટવાનું હતું તે તમે કર્યું છે પોરબંદરના વિકાસ અને લોક સુખાકારી માટે હવે અમે કામ કરીશું. સાથે એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે એક સિક્કાની બે બાજુ એટલે હક્ક અને ફરજ છે આપણી ફરજો આપણે નિભાવવી જ પડશે જો તેમાં આપણે પાછળ નહીં પડીશું તો દેશ અને દુનિમામાં આપણે પોરબંદરને ચમકાવી દેશું.ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા ખેડૂતોને પોષણસમત ભાવ મળી રહે તે દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. હાલમાં બજાર ભાવ કરતા વધારે એટલે રૂ.1700 ના દરે મગ ખરીદ કરવામાં આવી રહી છે, જ્યારે તેનો બજાર ભાવ આશરે રૂ. 1200 છે. ખેડૂતોને પાકનો ન્યાયસંગત ભાવ મળવાથી તેઓ ખુશ છે અને તેમને સીધા ખાતામાં ચૂકવણી કરવામાં આવી રહી છે.”રાજ્યકક્ષાનું સાંસ્કૃતિક વન પોરબંદરમાં બનશે અને તેનું ઉદ્ઘાટન 2026 માં થશે તે અંગે પણ લોકોને માહિતીગાર કરીને લાગણીવશ થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો.ધારાસભ્ય એ વધુમાં જણાવ્યું હતું કે, “જિલ્લાના વિકાસ માટે વિવિધ વિસ્તારોમાં કામોની ગતિ જળવાય તે જરૂરી છે. પોરબંદર શહેરમાં આગામી દિવસોમાં થનાર વિકાસ કર્યો અંગે લોકોને માહિતીગાર કર્યા હતા અને કહ્યું હતું કે પોરબંદરને વિશ્વના નકશા પર સ્થાન મળે તે આપણાં સામૂહિક પ્રયાસો અને સહકારથી જ શક્ય બનશે.હેલ્થ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફિટ ઈન્ડિયા મૂવમેન્ટને આગળ ધપાવતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓને સાઇકલ અર્પણ કરવામાં આવી હતી અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિતના મહાનુભાવોના હસ્તે માર્ગ અને મકામાર્ગ વિભાગના રૂ. 1280.48 લાખના વિવિધ વિકાસ કામોનું વિકાસકાર્યોનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા,જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર,પોરબંદર તાલુકા પ્રમુખ લીરીબેન ખુટી, રાણાવાવ તાલુકા પંચાયત પ્રમુખ મંજુબેન બાપોદરા,જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, પોરબંદર જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, રાજકોટ જિલ્લાના ભાજપ અધ્યક્ષ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા, કલેકટર એસ. ડી. ધાનાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી, અધિક કલેકટર જે.બી વદર અગ્રણી સર્વ ભરતભાઈ પરમાર, અશોકભાઈ મોઢા સહિતનાં અગ્રણીઓ લોક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya