ગીર સોમનાથ 27 ઓગસ્ટ (હિ.સ.) હોસ્પિટલનો બાયોમેડિકલ વેસ્ટ પર્યાવરણને નુકસાન ન પહોંચે તે રીતે નિકાલ કરવાનો હોય છે. ગીર સોમનાથ જિલ્લાની તમામ હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ અને ડિસ્પોઝલના માપદંડોનું ચુસ્તપણે પાલન થાય તે જરૂરી છે. સરકારની જોગવાઈઓનું ચુસ્તપણે પાલન થાય એના ભાગરૂપે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
આ જાહેરનામામાં ગીર સોમનાથ જિલ્લામાં આવેલા તમામ હોસ્પિટલમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આપવામાં આવેલ ઓથોરાઈઝેશન સર્ટિફિકેટ તથા કોમન બાયોમેડિકલ વેસ્ટ ડિસ્પોઝલ ફેસિલિટીનું મેમ્બરશિપ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ તેમજ નમૂનાનું સાઈનબોર્ડ લોકો સરળતાથી જોઈ શકે એ રીતે રાખવા જણાવાયું છે.
આ નમૂનાના સાઈનબોર્ડમાં પહેલી કોલમમાં પ્રમાણપત્રની વિગત જેવી કે, ઈન્ડોર કેપિસિટી (બેડની સંખ્યા), જી.પી.સી.બી. ઓથોરાઈઝેશન સર્ટિફિકેટ, કોમન બાયોમેડિકલ વેસ્ટ ડિસ્પોઝલ ફેસિલીટીનું મેમ્બરશિપ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, બાયોમેડિકલ વેસ્ટ સેગ્રીગેશન માટે સ્ટાફને ટ્રેનિંગ આપેલ છે કે કેમ? અને ક્યારે આપેલ છે? બીજી કોલમમાં પ્રમાણપત્ર ઈશ્યૂ કરનાર ઓથોરિટી, ત્રીજી કોલમમાં હુકમ નંબર તથા તારીખ, ચોથી કોલમમાં વેલિડિટી અને પાંચમી કોલમમાં રિમાર્ક્સ દર્શાવવાના રહેશે.
આ જાહેરનામું ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે અને જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ મુજબ શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ