જમ્મુ, નવી દિલ્હી, 27 ઓગસ્ટ (હિ.સ.). મંગળવારે વૈષ્ણો દેવી માર્ગ પર ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. મૃતકોમાં વૈષ્ણો દેવી યાત્રામાં સામેલ 6 શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની આશંકા છે. ભારે વરસાદને કારણે જમ્મુ વિભાગમાં ઘણો વિનાશ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું છે કે, તેઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ફોન પર અહીંની પરિસ્થિતિ વિશે માહિતી આપી છે.
મંગળવારે જમ્મુ વિભાગમાં વૈષ્ણો દેવી માર્ગ પર, ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે છ શ્રદ્ધાળુઓ સહિત કુલ 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની આશંકા છે. વૈષ્ણો દેવી મંદિરની યાત્રા મુલતવી રાખવામાં આવી છે.
વૈષ્ણોદેવી રોડ પર ભૂસ્ખલનમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતા રાજ્યના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ એક એક્સ-પોસ્ટમાં લખ્યું છે કે, તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી છે અને રાજ્યમાં ભારે વરસાદને કારણે થયેલી પરિસ્થિતિ અને નુકસાન વિશે માહિતી આપી છે.
ઉલ્લેખનીય છે કે, આ અકસ્માત ગઈકાલે બપોરે લગભગ 3 વાગ્યે ત્રિકુટા પહાડી પર સ્થિત માતા વૈષ્ણોદેવી મંદિર તરફ જતા વળાંકવાળા રસ્તા પર થયો હતો. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
જમ્મુના સંરક્ષણ જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે, કટરા અને તેની આસપાસ બચાવ અને રાહત કામગીરીમાં સેનાની ત્રણ રાહત ટુકડીઓને તાત્કાલિક તૈનાત કરવામાં આવી છે. તેમણે એક એક્સ-પોસ્ટમાં કહ્યું હતું કે, કટરાના અર્ધકુમારીમાં સેનાની ટુકડી જીવ બચાવવામાં મદદ કરી રહી છે, કટરાથી ઠાકુર કોટ જતા રસ્તા પર ભૂસ્ખલન સ્થળ પર રાહત ટુકડી પહોંચી ગઈ છે અને જોરિયાનની દક્ષિણમાં સેનાની ટુકડી સહાય પૂરી પાડી રહી છે. જીવ બચાવવા, જરૂરિયાતમંદોને સહાય પૂરી પાડવા અને નાગરિકોને સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. નાગરિક એજન્સીઓ સાથે ગાઢ સંકલન કરવામાં આવી રહ્યું છે.
સતત મુશળધાર વરસાદને કારણે કાશ્મીર ખીણમાં પણ ઘણો વિનાશ થયો છે. પુલ તૂટી પડવા અને મોબાઇલ ટાવર અને વીજળીના થાંભલાઓને નુકસાન થવાને કારણે ટેલિકોમ્યુનિકેશન અને વીજ પુરવઠાની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશના મોટા ભાગોમાં ટેલિકોમ્યુનિકેશન સેવાઓ ખોરવાઈ ગઈ છે, જેના કારણે લાખો લોકો સંપર્કથી દૂર થઈ ગયા છે.
તેમણે જણાવ્યું હતું કે, જમ્મુ-શ્રીનગર અને કિશ્તવાર-ડોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અવરજવર સ્થગિત કરવામાં આવી છે. ભૂસ્ખલન અથવા અચાનક પૂરને કારણે ડઝનબંધ પહાડી રસ્તાઓ અવરોધિત અથવા નુકસાન પામ્યા છે. જમ્મુ જતી અને જતી ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ