જૂનાગઢ, 27 ઓગસ્ટ (હિ.સ.) દિકરીઓના ભવિષ્ય ઉજ્જવળ બનાવી કન્યા કેળવણીને પ્રોત્સાહન આપતી 'નમો લક્ષ્મી યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં હાલમાં કુલ ૨૩,૪૮૮ વિદ્યાર્થીનીઓ આ યોજનાનો લાભ લઈ રહી છે. જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં કુલ ૨૩,૪૮૮ વિધાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી શિક્ષણમાં આર્થિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે.
રાજયમાં દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે 'નમો લક્ષ્મી યોજના' અમલી વર્ષ ૨૦૨૪ થી અમલી છે. આ યોજના હેઠળ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં ધોરણ ૦૯ થી ધોરણ ૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કુલ રૂ. ૫૦ હજારની સહાય આપવામાં આવે છે. જેમાં ધોરણ ૦૯ અને ધોરણ ૧૦માં અભ્યાસ દરમિયાન ૧૦ માસ માટે રૂ. ૫૦૦ મુજબ વાર્ષિક રૂ. ૫૦૦૦ પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ. ૧૦ હજાર તથા ધોરણ ૧૦માં ઉત્તીર્ણ થયા બાદ રૂ.૧૦ હજાર અપાય છે. તેમજ ધોરણ ૧૧ અને ધોરણ ૧૨માં વિદ્યાર્થીનીઓને ૧૦ મહિના માટે માસિક રૂ. ૭૫૦ લેખે વાર્ષિક રૂ. ૭૫૦૦ પ્રમાણે બંને વર્ષના મળી રૂ. ૧૫ હજારની સહાય તથા ધોરણ ૧૨માં ઉત્તીર્ણ થયા બાદ રૂ. ૧૫ હજારની સહાય અપાય છે. આ લાભ માત્ર એ પરિવારની દીકરીઓને મળવાપાત્ર છે જેમની વાર્ષિક આવક રૂ. ૬ લાખ કે તેથી ઓછી છે.
લાભાર્થીને સહાયની ચૂકવણી સીધી જ બેન્ક ખાતામાં ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફરના માધ્યમથી જમા કરાય છે. 'નમો લક્ષ્મી યોજના'થી કન્યા કેળવણીને પ્રોત્સાહન મળતાં દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બની રહ્યું છે.આ ઉપરાંત દીકરીઓ ધોરણ ૮ બાદ શાળાકીય શિક્ષાથી વંચિત ન રહે ઉપરાંત ધોરણ ૯માં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તે માટે પણ આ યોજના મહત્વપૂર્ણ સાબિત થઇ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ