પાટણ, 28 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરના ચાણસ્મા ઓવરબ્રિજ નીચે જીઈબી સામે આવેલ નગરપાલિકાનું જાહેર શૌચાલય (પે એન્ડ યુઝ) લાંબા સમયથી બંધ છે. પરિણામે મુસાફરો, આસપાસના રહેવાસીઓ તથા સ્થાનિક વેપારીઓને શૌચક્રિયા માટે ગંભીર તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે પાટણના તમામ બંધ પે એન્ડ યુઝ શૌચાલયોની તપાસ કરવા અને તેને પુનઃચાલુ કરવાની નગરપાલિકાને માંગ કરી છે. તેમણે જણાવ્યું કે આવું જ હાલત અન્ય શૌચાલયોની પણ હોઈ શકે છે, જેને નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધ્યાને લેવાની જરૂર છે.
સ્થાનિક લોકોના કહેવા મુજબ, શહેરમાં પુરુષો માટે માત્ર મૂતરડીઓની વ્યવસ્થા છે, જ્યારે મહિલાઓ માટે કોઈ યોગ્ય જાહેર મૂતરડીની વ્યવસ્થા જ નથી. સાથે જ મહિલાઓ પાસેથી પે એન્ડ યુઝ શૌચાલયોમાં ૧૦ રૂપિયા વસૂલવામાં આવતી હોવાની ફરિયાદો પણ, મળી છે. આ મામલે નગરપાલિકા તંત્રે યોગ્ય તપાસ કરી યોગ્ય પગલાં લેવાની લોકમાંગ ઉઠી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ