પાટણ, 28 ઓગસ્ટ (હિ.સ.)પાટણની ધારપુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આંખના દર્દીઓ માટે અદ્યતન લેઝર મશીનની નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. આ મશીન GETCO કંપનીના CSR ફંડ હેઠળ હોસ્પિટલને મળ્યું છે અને હવે આ મશીન કાર્યરત બનાવવામાં આવ્યું છે, જેનાથી દર્દીઓને આધુનિક સારવાર મળી શકશે.
આ સુવિધા મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. પારુલ શર્માના પ્રયત્નોનું પરિણામ છે. મશીનનું લોકાર્પણ ડીન ડૉ. હાર્દિક શાહ, ડૉ. પારુલ શર્મા અને અધિક ડીન ડૉ. બથીજાના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આંખ વિભાગની વડા ડૉ. સોનલ અગ્રવાલ, અન્ય તજજ્ઞો, RMO, નર્સિંગ સ્ટાફ અને મોટી સંખ્યામાં OPD દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મશીનથી હવે દર્દીઓને મોતિયાના ઓપરેશન બાદ થતી છારી અને ઝામર જેવી સમસ્યાઓ માટે અન્ય હોસ્પિટલમાં જવાનું રહેશે નહીં. આ સુવિધા હવે ધારપુર મેડિકલ કોલેજમાં કાયમી ધોરણે ઉપલબ્ધ રહેશે અને પાટણ જિલ્લાના અનેક આંખના દર્દીઓને લાભ થશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ