પાટણ, 28 ઓગસ્ટ (હિ.સ.)પાટણમાં નિવૃત્ત કૃષિ વિજ્ઞાન અધિકારી અરવિંદભાઈ પટેલના, બેંક ખાતામાંથી સાયબર ઠગોએ રૂ.1.17 કરોડની રકમ ટ્રાન્સફર કરી હતી. આ ગંભીર કેસમાં બંધન બેંકની બાપુનગર શાખાના ડેપ્યુટી મેનેજર ફિરોઝ શેખ (ઉ.28)ની ધરપકડ કરવામાં આવી છે.
ફિરોઝ શેખે બે બોગસ કરન્ટ એકાઉન્ટ ખોલ્યા હતા—એક હાઇટેક મોબાઇલ શોપના નામે અને બીજું ડાયનેમિક ફેબ્રીકેશન્સના નામે. આ એકાઉન્ટો કાયદેસરના દસ્તાવેજો વગર ખોલવામાં આવ્યા હતા અને તેના બદલામાં રોકડ રૂ.1 લાખ લીધા હતા. આરોપીએ સાગર ઠાકોર પાસેથી રૂ.50 હજાર લઈને એક મોબાઇલ અને એસેસરીઝના નામે વધુ એક ખોટું એકાઉન્ટ ખોલ્યું હતું.
તપાસ દરમિયાન ખુલ્યું કે, આરોપીના નામે ખોલાયેલા એકાઉન્ટના સંબંધે દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 39 સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધાઈ છે. આરોપી દ્વારા ખોલાયેલા એકાઉન્ટમાંથી અત્યારસુધીમાં કુલ રૂ.1.15 કરોડનું ઓનલાઈન ફ્રોડ થઇ ચૂક્યું છે.
કોર્ટએ આરોપીની જામીન અરજી ફગાવતાં સ્પષ્ટ કહ્યું કે, આરોપીએ ગુનામાં મહત્વનો ભાગ ભજવ્યો છે અને તેને જામીન આપવામાં આવે તો તે નાસી જવાની કે વધુ ગુનાઓ આચરવાની શક્યતા રહેલી છે. તેની સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ અને ફરિયાદી સાથે કઈ રીતે છેતરપીંડી આચરાઈ છે તેની પણ તપાસ જરૂરી છે, કારણ કે આવા સાયબર ગુનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ