પટના, નવી દિલ્હી,28 ઓગસ્ટ (હિ.સ.)
પાકિસ્તાન સ્થિત સંગઠનોના આતંકવાદીઓ રાજ્યમાં ઘૂસ્યા હોવાના ગુપ્તચર અહેવાલો મળ્યા
બાદ, બિહાર પોલીસ મુખ્યાલયે ગુરુવારે રાજ્યવ્યાપી હાઇ એલર્ટ જારી કર્યું હતું.
વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, “આતંકવાદી જૂથ
જૈશ-એ-મોહમ્મદના ત્રણ શંકાસ્પદ સભ્યો, નેપાળ સરહદ પાર કરીને બિહારમાં પ્રવેશ્યા છે.”
બિહાર પોલીસ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, શંકાસ્પદોની ઓળખ
રાવલપિંડીના હસનૈન અલી, ઉમરકોટના આદિલ
હુસૈન અને બહાવલપુરના મોહમ્મદ ઉસ્માન તરીકે કરવામાં આવી છે. ગુપ્તચર અહેવાલો સૂચવે
છે કે,” તેઓ ઓગસ્ટના બીજા અઠવાડિયામાં કાઠમંડુ પહોંચ્યા હતા અને ગયા અઠવાડિયે,
બિહારમાં પ્રવેશ્યા હતા.”
બિહાર પોલીસ મુખ્યાલયે, સરહદી જિલ્લાઓની પોલીસ સાથે
શંકાસ્પદોની પાસપોર્ટ વિગતો શેર કરી છે. સુરક્ષા એજન્સીઓને દેખરેખ વધારવા અને
ગુપ્ત માહિતી એકત્રિત કરવા, સૂચના આપવામાં આવી છે. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિના
આધારે જિલ્લા ગુપ્તચર એકમોને જરૂરી કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે.
બિહારમાં ઓપરેશન સિંદૂર અને આ વર્ષના અંતમાં યોજાનારી
વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, મે મહિનામાં ભારત-નેપાળ સરહદ અને સીમાંચલ
જિલ્લાઓ પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
બિહારના મધુબની, સીતામઢી, સુપૌલ, અરરિયા, પૂર્વ અને પશ્ચિમ ચંપારણ, કિશનગંજ જિલ્લાઓ સહિત સરહદી વિસ્તારોમાં
પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
બિહાર નેપાળ સાથે લગભગ 729 કિમી લાંબી ખુલ્લી સરહદ ધરાવે છે. તે લાંબા સમયથી ઘૂસણખોરી
અને સરહદ પારની હિલચાલનું, મુખ્ય કેન્દ્ર બની ગયું છે. રાજ્યના સાત જિલ્લાઓ આ
ખુલ્લી સરહદ પર આવેલા છે,
જે સતત દેખરેખ
અને સુરક્ષા અમલીકરણ માટે મોટા પડકારો ઉભા કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / ગોવિંદ ચૌધરી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ