ગીર સોમનાથ 3 ઓગસ્ટ (હિ.સ.) જિલ્લામાં જાહેર રસ્તાઓ પર રખડતા પાલતુ પશુઓના કારણે અવારનવાર ટ્રાફિક સમસ્યા ઉભી થતી હોવાના કારણે અને ભૂતકાળમાં રાહદારીઓના ગંભીર અકસ્માતના કિસ્સાઓ બન્યાં હોવાથી તેમજ રખડતા પશુઓ લાઈવ સ્ટોકના કારણે અવારનવાર ટ્રાફિક સમસ્યા, અકસ્માતના બનાવો અને ગંદકી ઉદભવતી હોય છે.
જેથી જાહેર જનતાની સુરક્ષા સલામતી અને સ્વાસ્થ્ય માટે જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી.ઉપાધ્યાય દ્વારા માલિકીના પશુઓને ફરજિયાત ઈયર ટેગ લગાવવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
આ જાહેરનામાં અનુસાર કેટલાક પશુ માલીકો દ્વારા દિવસ અને રાત્રી દરમિયાન ખુલ્લામાં રસ્તા પર પાલતુ પશુઓને છોડી મૂકવામાં આવતા હોવાના કારણે આવા પાલતુ પશુઓ બીનવારસી હાલતમાં જાહેર રસ્તાઓ પર આવી જતા હોવાનું ધ્યાને આવ્યું છે.
જેથી આવા પશુ માલીકો પર નિયંત્રણ રાખવા તેમજ તેમની ઓળખ માટે ઈયર ટેગ લગાવવી અત્યંત જરૂરી જણાય છે. જાહેરનામું પ્રસિદ્ધ કરી અને ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ પશુ માલિકો અને પશુપાલકોએ ભારત સરકારના નેશનલ એનિમલ ડીસીઝ પ્રોગ્રામ અંતર્ગત તેઓની માલિકીના પશુઓ (લાઈવસ્ટોક) ને ફરજિયાત ઈયર ટેગ લગાવવાનું જણાવવામાં આવ્યું છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહીતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ માંડવા માટે ફરજ પરના પશુધન નિરીક્ષક કે તેનાથી ઉપરના કક્ષાના અધિકારી તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરાયા છે.
આ જાહેરનામું, તા.૦૨ ઓગસ્ટથી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ