ગીર સોમનાથ, 3 ઓગસ્ટ (હિ.સ.) કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા જીતેન્દ્રસિંહએ ઉપસ્થિત સર્વેનુ શાબ્દિક સ્વાગત તેમજ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. જિલ્લા પુરવઠા અધિકારી પારસ વાંદા દ્વારા, સરકારશ્રીની વિવિધ ખેડૂતોના હિતલક્ષી યોજનાઓ અને તેનાથી થતા ફાયદાઓ વિશે વાત કરી હતી.
અંબુજા ફાઉન્ડેશન જનરલ મેનેજર ડી.બી. વઘાસીયાએ, ગ્લોબલ વોર્મિંગની ખેતી પર થતી અસર વિશે વાત કરી હતી. વિષય નિષ્ણાંત રમેશભાઈ રાઠોડે પાક સંરક્ષણ તેમજ ખરીફ પાકમાં સંકલિત રોગ-જીવાત નિયંત્રણ વિશે ઉપસ્થિત સર્વેને સમજૂતી આપી હતી.
વિષય નિષ્ણાંત પુજાબેન નકુમ કૃષિ વિસ્તરણએ પ્રાકૃતિક ખેતી તેમજ કેવીકેના વિવિધ સોશીયલ મીડીયા પ્લેટફોર્મથી, ખેડૂતોને થતા ફાયદા વિશે વાત કરી હતી. ઉપસ્થિત સર્વેએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જીવંત ઉદબોધન નિહાળ્યું હતું.
કેવીકે ખાતે આ કાર્યક્રમમાં ૨૨૦ થી વધુ ખેડૂતભાઈઓ અને બહેનોએ હાજરી આપી. આ કાર્યકમને સફળ બનાવવામાં કેવીકે, ખેતીવાડી વિભાગ અને આત્મા પ્રોજેકટના સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમમાં, કોડીનાર તાલુકા વિકાસ અધિકારી બી.આર.બખતરીયા, કોડીનાર મામલતદાર ડી.જી. વરમોરા, અગ્રણી જીતુભાઈ બારડ, વિશાલભાઈ ગાધે સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ