મોડાસા, 4 ઓગસ્ટ (હિ.સ.)
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી હિંમતનગર અને મહિલા અને બાળ વિકાસની કચેરી સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડાના અધ્યક્ષસ્થાને મહિલા સ્વાવલંબન દિવસ અને મહિલા રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો.
મહિલા સ્વાવલંબન દિવસ મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે મહિલાઓના હક્કો, તેમના વિકાસ અને રોજગાર માટે સરકાર દ્વારા યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવામાં આવે છે. આ દિવસ મહિલાઓના સાહસ અને સન્માનનું પ્રતિક છે.
જિલ્લા મહિલા બાળ અધિકારી ડૉ. પ્રજ્ઞાબેન ત્રિવેદીએ જણાવ્યું કે, મહિલા સ્વાવલંબન દિવસ એ ભારતની મહિલાઓના આત્મનિર્ભર બનવાના હક અને પ્રેરણાનું પ્રતીક છે. આ દિવસનું મુખ્ય ઉદ્દેશ એ છે કે સમાજમાં મહિલાઓને શિક્ષણ, આરોગ્ય, રોજગાર, નેતૃત્વ અને સામાજિક હક્કોમાં સ્વતંત્રતા મળે અને તેઓ પોતાની શક્તિઓને ઓળખી પોતાનું જીવન સ્વાવલંબનપૂર્વક જીવી શકે.
દહેજ પ્રતિબંધક અધિકારી પી.આર.પટેલે જણાવ્યું કે મહિલા સશક્તિકરણ એ મહિલાઓને શારીરિક, માનસિક, શૈક્ષણિક, આર્થિક, સામાજિક અને રાજકીય દ્રષ્ટિએ સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો એક મહત્વપૂર્ણ વિચાર છે. તેનો મુખ્ય હેતુ એ છે કે મહિલાઓ પોતાના હક માટે અવાજ ઉઠાવી શકે, નિર્ણયો લઈ શકે અને સમાજમાં સમાન સ્થાન મેળવ્યા વિના કોઈ ભેદભાવ વગર જીવી શકે.મહિલા સશક્તિકરણ એ દેશના વિકાસ માટે અતિ આવશ્યક છે. જયાં મહિલાઓ સશક્ત બને છે, ત્યાં સમગ્ર કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર વિકસે છે.
રોજગાર અધિકારી હિતેશભાઈ ગઢવીએ જણાવ્યું કે નારી વંદન ઉત્સવ એ મહિલાઓના યોગદાન અને શક્તિને સન્માન આપવા ઉજવાતો ઉત્સવ છે. આ ઉત્સવમાં મહિલાઓના વિકાસ, સશક્તિકરણ અને ઉત્કર્ષ માટે વિવિધ કાર્યક્રમો યોજાય છે. સમાજમાં મહિલાઓના મહત્ત્વ અને સમાન હક્કોને ઉજાગર કરવા આ ઉજવણી કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં લખપતિ દીદી યોજના કે જેમાં મહિલાઓને સ્વ-સહાય જૂથ દ્વારા વ્યવસાય માટે તાલીમ, સહાય અને વ્યાજમુક્ત લોન આપવામા આવે છે. એવા ઉદ્યોગ સાહસિક મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતુ. આ રોજગાર મેળામાં મહિલાઓને નોકરીની તક આપવામાં આવી હતી. જેથી તે આર્થિક રીતે સક્ષમ બની શકે.
આ કાર્યક્રમમાં લવારી અને મહિયલ ગામના સરપંચ શ્રી, નગરપાલિકાના સભ્યો, આંગણવાડીની બહેનો, આશા વર્કર બહેનો,ઔદ્યોગિક તાલીમ સંસ્થાની વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ