મંદસૌર, નવી દિલ્હી, 7 ઓગસ્ટ (હિ.સ.) મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં પીપલીયામંડી અને મલ્હારગઢ વિસ્તારમાં ગુરુવારે સવારે 10:07 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.9 માપવામાં આવી હતી, જ્યારે ભૂકંપનું કેન્દ્ર પ્રતાપગઢમાં જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રે સોશિયલ મીડિયા પર તેની માહિતી શેર કરી છે.
ગુરુવારે સવારે મંદસૌરમાં જિલ્લાના પીપલીયામંડી નગર, રેવાસ દેવડા, અમરપુરા, મલ્હારગઢ, કનઘટ્ટી, ફોફાલિયા, બોરી, કુલમીપુરા અને દમાખેડી ગામોમાં લોકોએ ભૂકંપના હળવા આંચકા અનુભવ્યા હતા. આ આંચકા થોડીક સેકન્ડ સુધી રહ્યા. આનાથી ગભરાઈને ઘણા લોકો પોતાના ઘરો અને દુકાનોમાંથી બહાર નીકળીને ખુલ્લી જગ્યાઓમાં ઉભા રહી ગયા. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, અચાનક દરવાજા અને બારીઓ ધ્રુજવા લાગી. હાલમાં કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. જિલ્લા વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગે લોકોને સાવધ રહેવા અપીલ કરી છે.
મધ્યપ્રદેશના પ્રતાપગઢ શહેરના નઈ આબાદી, સદર બજાર, એરિયાપતિ, વોટર વર્ક્સ, બડા બાગ કોલોની અને માનપુર જેવા વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ એ જ વિસ્તાર છે, જ્યાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું. ઘણા લોકોએ આ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી.
હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ