નવી દિલ્હી, 7 ઓગસ્ટ (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી અંગે ગુરુવારે અહીં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (એનડીએ) ના ઘટક પક્ષોના અગ્રણી નેતાઓની બેઠક યોજાઈ હતી. એનડીએ ના ઘટક પક્ષોએ સર્વાનુમતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડાને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ નક્કી કરવા માટે અધિકૃત કર્યા છે.
સંસદ ભવનના સંકુલમાં યોજાયેલી આ બેઠક સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાઈ હતી. ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ, આરપીઆઈ (એ) ના વડા અને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે સહિત ઘણા નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા.
બેઠક બાદ રિજિજુએ મીડિયાને જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદી અને ભાજપ પ્રમુખ નડ્ડાને, ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારનું નામ નક્કી કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. આ સંબંધમાં એક પ્રસ્તાવ પણ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે, જેમાં વડા પ્રધાન મોદી અને નડ્ડાને ઉપરાષ્ટ્રપતિ પદ માટે એનડીએ ઉમેદવારને અંતિમ સ્વરૂપ આપવાની સત્તા આપવામાં આવી છે. તેમનો નિર્ણય બધા ગઠબંધન પક્ષો સ્વીકારશે. રિજિજુએ કહ્યું કે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું જાહેરનામું આજે બહાર પાડવામાં આવ્યું છે.
ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ છે, જ્યારે જરૂર પડશે તો મતદાન 9 સપ્ટેમ્બરે થશે અને મતગણતરી તે જ દિવસે થશે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ