પાટણ, 15 સપ્ટેમ્બર (હિ.સ.): સિદ્ધપુર પોલીસે બહુજન મુક્તિ પાર્ટીના પ્રદેશ સંગઠન સચિવ અને નગરપાલિકાના કોર્પોરેટર અનિલ સોલંકી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. આરોપ છે કે મહેસુલી તલાટી વર્ગ-3ની પરીક્ષા પહેલા તેમણે સિદ્ધપુર તાલુકાના એક ગ્રુપમાં નેશનલ હાઈવે નંબર 8 પર ટ્રાફિક જામનો જૂનો વીડિયો શેર કર્યો હતો અને તે હાઈવે બ્લોક હોવાનું લખ્યું હતું.
આ હાઈવે અત્યંત વ્યસ્ત છે અને આ માર્ગ પરથી 108 એમ્બ્યુલન્સ સહિતની ઇમરજન્સી સેવાઓ જતા હોય છે. ઉપરાંત સિદ્ધપુરમાં આવેલા માતૃગયા તીર્થના કારણે સમગ્ર દેશમાં શ્રદ્ધાળુઓની આવનજાવન રહે છે, જેના કારણે આવા ખોટા સંદેશાઓ લોકોમાં ભય ફેલાવશે તેવી સંભાવના ઊભી થાય છે.
પોલીસે ઘટનાસ્થળની તપાસ કરી અને જાણવા મળ્યું કે વિડિયોમાં દર્શાવેલી ઘટના હાલની નહીં પણ જૂની હતી. આ જૂના વીડિયાને હાલની ઘટનાની રીતે રજૂ કરી પરીક્ષાર્થીઓ અને વાલીઓમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસએ તાત્કાલિક કાર્યવાહી કરી અનિલ સોલંકી સામે ગુનો દાખલ કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ