ભાવનગર 20 સપ્ટેમ્બર (હિ.સ.)
પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળના કર્મચારીઓ હંમેશાં મુસાફરોની સુરક્ષા તથા સુવિધાને પ્રાથમિકતા આપીને દરેક શક્ય મદદ માટે તત્પર રહે છે. આ જ શ્રેણીમાં રેલવે સુરક્ષા બળ (RPF) વેરાવળ પોસ્ટના જવાનો ઈમાનદારી અને સતર્કતાનું પ્રદર્શન કરતા એક મુસાફરનો કિંમતી પીઠથેલો સુરક્ષિત પરત આપ્યો, જેની અંદાજીત કિંમત લગભગ રૂ. 2,69,000/- હતી.
વરીષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે તા. 17 સપ્ટેમ્બર, 2025 (બુધવાર) ના રોજ એએસઆઈ વિકાસ યાદવને તેમના સ્ટાફ સાથે પેટ્રોલિંગ દરમિયાન વેરાવળ સ્ટેશનના બુકિંગ ઓફિસ સામે એક કાળો લાવારિસ પીઠથેલો મળ્યો. આજુબાજુના મુસાફરોને પૂછપરછ કરતાં કોઈ માહિતી મળી ન આવતાં પંચોની હાજરીમાં થેલો તપાસવામાં આવ્યો, જેમાંથી એક મોબાઇલ નંબર મળ્યો.
તે નંબર પર સંપર્ક કરતાં જાણવા મળ્યું કે આ પીઠથેલો મુસાફર કમલેશનો છે, જે ટ્રેન ક્રમાંક 19119 સવારી ગાડી દ્વારા રાજકોટથી વેરાવળ જઈ રહ્યા હતા અને અજાણતાં સ્ટેશન પર થેલો રહી ગયો હતો. ત્યારબાદ આરપીએફ દ્વારા મુસાફર સાથે સંપર્ક કરી માહિતી આપવામાં આવી અને તેમના વેરાવળ પોસ્ટ પર પહોંચતા સામાનની ઓળખ કરાવી થેલો તેમને સુરક્ષિત સોંપી દેવામાં આવ્યો.
થેલામાં એપલ કંપનીનો આઈપેડ, ડેલ કંપનીનો લેપટોપ, એપલની ડિજિટલ ઘડિયાળ, એરપોડ્સ, રેડમી કંપનીનો મોબાઇલ, એપલનો પાવર બેન્ક, હાર્ડ ડિસ્ક, આર્માનીનો ચશ્મો, ચાર્જર તથા દસ્તાવેજ ફાઇલ સહિતનો સામાન મળ્યો. મુસાફરે આ વસ્તુઓની કુલ કિંમત અંદાજે રૂ. 2,69,000/- હોવાનું જણાવ્યું.
મુસાફરે પોતાનો કિંમતી સામાન સુરક્ષિત રીતે પરત મળતાં રેલવે સુરક્ષા દળ-વેરાવળ અને રેલવે પ્રશાસન પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ આ પ્રશંસનીય કામગીરી બદલ આરપીએફના કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા અને પ્રોત્સાહિત કર્યા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ