જામનગર, 21 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગરમાં સાતરસ્તાથી સુભાષબ્રિજ સુધી બની રહેલા ફલાય ઓવરબ્રિજની નીચેના ગાળામાં પાર્કિંગની સુવિધા હાલમાં દુવીધા બની છે, કારણ કે આ ઓવરબ્રિજ નીચે વાહનોના આડેધડ પાર્કિંગ કરવામાં આવી રહ્યા છે, ઓવરબ્રિજ નીચે ઠેર-ઠેર વાહનોના ખડકલાથી માર્ગો સાંકડા બનતા ટ્રાફિક સમસ્યાએ અજગરી ભરડો લેતાં શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે, બ્રિજ નીચે જે ખુલ્લા ગાળા છે તેમાં મનફાવે તેમ વાહનો રાખવામાં આવતાં અન્ય ચાલકોને ફરીફરીને માર્ગની સામેની બાજુ જવાની ફરજ પડતાં પારાવાર મુશ્કેલી પડી રહી છે.
જામનગરમાં મહાપાલીકા દ્વારા સાતરસ્તાથી સુભાષબ્રિજ સુધી સૌરાષ્ટ્રના સૌથી મોટા ફલાય ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જે હવે અંતિમ તબકકામાં છે, આ ફલાય ઓવરબ્રિજ પાછળ રૂ.૨૨૫ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે, ફલાય ઓવરબ્રિજની નીચે જે ગાળા આવેલા છે તેમાં પેવર બ્લોક પાથરવામાં આવ્યા છે, હાલમાં આ ગાળામાં વાહનોના પાર્કિંગ થઇ રહ્યા છે, પરંતુ ઓવરબ્રિજ નીચેના ગાળામાં વાહનોના વ્યવસ્થિત પાર્કિંગને બદલે આડેધડ અને મનફાવે તેમ વાહનો પાર્ક કરવામાં આવતાં સુવિધા દુવીધામાં ફેરવાઇ છે, કારણ કે આ ઓવરબ્રિજ નીચે અણધડ રીતે વાહનો રાખવામાં આવતાં બંને બાજુનો માર્ગ સાંકડો બન્યો છે.
જેના કારણે ઓવરબ્રિજ નીચેના માર્ગ પર શરૂઆતથી અંત સુધી ટ્રાફિક સમસ્યાએ અજગરી ભરડો લીધો છે, આ સમસ્યાના કારણે વાહનચાલકો માટે આવાગમન ખુબ જ દુષ્કર બન્યું છે, વળી હજુ ઓવરબ્રિજ નીચે અમુક ગાળામાં પેવર બ્લોક પાથરવામાં આવ્યા નથી, એટલે કે આ ગાળા ખુલ્લા છે, જેના કારણે વાહનચાલકોને માર્ગની સામેની બાજુએ જવું હોય તો જઇ શકાય, પરંતુ આ ખુલ્લા ગાળામાં વાહનોનું મનફાવે તેમ પાર્કિંગ કરવામાં આવતાં દિવસ દરમ્યાન આ ગાળા સદંતર બ્લોક થઇ જાય છે, જેના કારણે વાહન નિકળવાની વાત તો દુર રહી, ચાલવાની પણ જગ્યા રહેતી નથી.
જેના કારણે વાહનચાલકો આ ગાળામાંથી વળાંક લઇ શકતા નથી અને ફરીફરીને માર્ગની સામેની બાજુએ જવું પડે છે. આથી પારાવાર મુશ્કેલી પડી રહી છે, બીજી બાજુ અમુક વાહનચાલકો દ્વારા રાત્રીના સમયે ઓવરબ્રિજ નીચેના ખુલ્લા ગાળામાં વાહન પાર્ક કરી દેવામાં આવે છે, જેના કારણે આ ખુલ્લા ગાળામાંથી અન્ય વાહનચાલકો આવાગમન કરી શકતા નથી આથી મુશ્કેલી બેવડાય છે, ત્યારે આ સમસ્યા નિવારવા તંત્રના સંબંધીત વિભાગ પગલા લે તે ખુબ જ જરૂરી બન્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt