અમરેલી, 22 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન મળે અને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ તેઓ અભ્યાસમાં આગળ વધી શકે તે માટે પી.પી. સોજીત્રા ફાઉન્ડેશન હંમેશાં આગેવાન રહ્યું છે. તાજેતરમાં ફાઉન્ડેશન દ્વારા જિલ્લામાંથી પસંદ કરાયેલા તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને કુલ રૂ. 20 લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં ઉપસ્થિત ફાઉન્ડેશનના સંચાલકોએ જણાવ્યું કે ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારના અનેક વિદ્યાર્થીઓ પ્રતિભાશાળી હોવા છતાં આર્થિક પરિસ્થિતિને કારણે ઉચ્ચ અભ્યાસ મેળવી શકતા નથી. આવી સ્થિતિમાં તેમને યોગ્ય સહાય આપવાનો નિશ્ચય ફાઉન્ડેશનનો છે. આર્થિક સહાય મળતાં વિદ્યાર્થીઓ હવે ઉચ્ચ અભ્યાસ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ વ્યાવસાયિક ક્ષેત્રોમાં પોતાનું કારકિર્દી બનાવી શકશે. ફાઉન્ડેશન દ્વારા મળેલી આ સહાયથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છવાયો છે. કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ફાઉન્ડેશનની આર્થિક મદદથી તેઓ પોતાના સપના પૂરાં કરી શકશે અને પરિવારનો ગૌરવ વધારી શકશે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આવી પ્રતિભા બહાર આવે તે માટે આવા પ્રયાસો જરૂરી છે.
સમારોહમાં ઉપસ્થિત આગેવાનો અને શિક્ષણવિદોએ પણ પી.પી. સોજીત્રા ફાઉન્ડેશનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે સમાજમાંથી આવી સંસ્થાઓ આગળ આવે તો ગરીબ અને મધ્યવર્ગીય પરિવારોના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં અવરોધ નહીં આવે. શિક્ષણ એ વિકાસનો પાયો છે, અને પી.પી. સોજીત્રા ફાઉન્ડેશન એ પાયાને મજબૂત કરવા સતત પ્રયત્નશીલ છે. આર્થિક સહાયથી પ્રેરણા લઈને વિદ્યાર્થીઓ વધુ મહેનત કરીને ભવિષ્યમાં સમાજ અને દેશનું નામ ઉજ્જવળ કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai