ગીર સોમનાથ 22 સપ્ટેમ્બર (હિ.સ.): ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ તીર્થ ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભાસના પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ પર યોજાયેલી આ વિશેષ મહાઆરતીમાં મોટી સંખ્યામાં યાત્રિકો, ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા તેમજ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સોમપુરા તીર્થ પુરોહિતો કમર સુધીના પાણીમાં ઊભા રહી ત્રિવેણી માતાની દિવ્ય આરતી ઉતારી હતી. ભૂદેવો દ્વારા કરાયેલા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું. આ આરતીનો હેતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે ત્રિવેણી માતાને પ્રાર્થના કરવાનો રહ્યો. દેશભરમાં પ્રધાનમંત્રીના 75મા જન્મદિવસ નિમિત્તે સેવા કાર્યો અને ધાર્મિક કાર્યક્રમો દ્વારા ઉજવણી થઈ રહી છે. પ્રભાસ તીર્થના ઘાટ પર યોજાયેલી આ વિશેષ આરતીનો સાક્ષી બનતા યાત્રિકોએ દિવ્ય પ્રસંગનો આનંદ અનુભવો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ