અમરેલી, 22 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લો વિવિધ કાર્યો માટે જાણીતો છે. સાવરકુંડલા તાલુકાના વિજયાનગર ગામે અનોખી પહેલ કરી છે. ગામમાં ઘરનું પાણી ઘરમાં રાખો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગામના 103 ઘરમાં જળસંચય કરવામાં આવી રહ્યું છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિજયાનગર ગામે છેલ્લા થોડા સમયથી એક અનોખી પહેલ શરૂ કરી છે, જેને કારણે તે ચર્ચામાં છે. અહીં ગામના 103 ઘરોમાં ઘરનું પાણી ઘરમાં રાખો અભિયાન અંતર્ગત વ્યક્તિગત સોક પિટ બનાવી જળસંચયનો અભૂતપૂર્વ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પગલાંના પરિણામે વરસાદી પાણી અને ઘરેથી નીકળતું ગંદું પાણી જમીનમાં શોષાઈ રહ્યું છે, જેના કારણે પાણીના તળ ઊંચા આવ્યા છે અને ગામવાસીઓને ખેતી અને પીવાના પાણીમાં સીધો લાભ મળ્યો છે..
ગામના પ્રતિનિધિ ઘનશ્યામભાઈ બલરે જણાવ્યું કે વિજયાનગર ગામની કુલ વસ્તી લગભગ 1,500 છે, જેમાંથી 600 લોકો રોજગારી માટે સુરત રહે છે, જ્યારે બાકીના લોકો ખેતી સાથે સંકળાયેલા છે. ગામમાં વિકાસ કાર્યો માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. હાલમાં ગામના મુખ્ય રસ્તાઓ બ્લોક અને CC રોડથી મજબૂત બનાવાયા છે. સ્ટ્રીટલાઈટ, ગટર અને પાણીની સુવિધા પણ સુચારૂ રીતે ઊભી કરવામાં આવી છે, જેના પર 10 લાખથી વધુનો ખર્ચ થયો છે. આ ઉપરાંત, ગામના મંદિરોના નવીનીકરણ માટે પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જે ગામના ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનને વધુ સશક્ત બનાવે છે.
જળસંચયની આ પહેલ ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને ગામના સરપંચ ઘનશ્યામભાઈ બલરની આગેવાની હેઠળ અમલમાં મુકાઈ છે. ગામના 103 ઘરોમાં વ્યક્તિગત સોક પિટનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના કારણે ઘરના ફળિયામાં જ પાણી સંગ્રહ થાય છે અને વરસાદી પાણી જમીનમાં શોષાઈને જળસ્તર વધે છે. ખાસ કરીને ગામના 50 પરિવારો માટે વિશેષ સોક પિટનું નિર્માણ કરાવાયું છે, જેના પરિણામે વરસાદી પાણીનો વ્યર્થ નાશ અટક્યો છે. પહેલથી ખેતીને વિશાળ લાભ થવાનો છે. અગાઉ ખેડૂતોને ઓછા વરસાદ અને પાણીના અભાવે ઉપજમાં ઘટાડો ભોગવવો પડતો હતો. પરંતુ હવે જમીનમાં પાણીનો જથ્થો વધવાથી પાકને સિંચાઈ માટે પૂરતું પાણી મળી શકે છે. સાથે સાથે ગામના કૂવો, બોર અને હેન્ડપંપ જેવા સ્ત્રોતોમાં પણ પાણીના તળ ઊંચા આવી ગયા છે, જેના કારણે પીવાના પાણીની અછત દૂર થવામાં સહાય મળી રહી છે.
અભિયાન માત્ર પાણીનો જથ્થો વધારવા પૂરતું નથી, પરંતુ પર્યાવરણની રક્ષા અને ભવિષ્યની પેઢીઓને પાણી ઉપલબ્ધ કરાવવાનું દ્રઢ પગલું છે. પાણીની સમસ્યા હંમેશાં ગામડાંઓ માટે ચિંતાનો વિષય રહી છે, ત્યારે વિજયાનગર ગામે પોતાની સંકલ્પબદ્ધતા અને લોકપ્રતિનિધિઓના સહકારથી એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai