- પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત સારવાર મળતા ડેસર - ૩ ની આદિતી પરમારનું ૫.૨૦૦ કિ.ગ્રા. થી વધીને ૭.૮૦૦ કિ.ગ્રા. થતાં સુપોષિત થઈ
વડોદરા, 27 સપ્ટેમ્બર (હિ.સ.) વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ડેસર-૩ આંગણવાડી કેન્દ્રની એક નાનકડી દીકરી આદિતી અનિલભાઈ પરમાર જે કુપોષિત હતી. રાજ્યસરકારના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગના પોષણ સંગમ કાર્યક્રમ દ્વારા આદિતી પરમારે કુપોષણ સામે વિજય મેળવ્યો છે.
વડોદરા જિલ્લાના ડેસર - ૩ આંગણવાડી કેન્દ્રની દીકરી આદિતી માત્ર ૧ વર્ષની નાની વયે અતિ-કુપોષણના ડેન્જર ઝોનમાં હતી. તેના માતા-પિતા શ્રમજીવી હોવાથી, બાળકીના સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકતા ન હતા. તેવામાં આંગણવાડીમાં તેનું વજન માપ્યું થી માત્ર ૫.૨૦૦ કીગ્રા જ હતું. જેના કારણે આદિતીનું બાળપણ અત્યંત જોખમમાં હતું.
આ ગંભીર પરિસ્થિતિમાં, ડેસર-૩ આંગણવાડી કેન્દ્રના કાર્યકર અને તેડાગર બહેનોએ આદિતીને પોષણ સંગમ અંતર્ગત CMTC માં રિફર કરવાના અથાગ પ્રયાસો શરૂ કર્યા. શરૂઆતમાં, આદિતીના વાલી સંમત નહોતા. જોકે, ડેસર સીડીપીઓ, મુખ્ય સેવિકા બહેન, આરોગ્ય વિભાગમાંથી નર્સ બહેન, આંગણવાડી કાર્યકર અને તેડાગરના સંયુક્ત પ્રયાસો થકી આદિતીના વાલીઓ તેની સારવાર માટે સહમત થયા. અંતે તેમણે પોષણ સંગમ કાર્યક્રમમાં વિશ્વાસ મૂક્યો અને આદિતીને CMTCમાં રિફર કરવામાં આવી.
કાર્યક્રમ અન્વયે આદિતીને ૧૪ દિવસ સુધી વિશેષ સારવાર અને પોષણયુક્ત આહાર આપવામાં આવ્યો. પરિણામે, ૧૪ દિવસની અંદર જ ચમત્કારિક સુધારો જોવા મળ્યો છે. આદિતીના વજનમાં નોંધપાત્ર વધારો થયો અને તે ૫.૨૦૦ કિલોગ્રામથી વધીને ૭.૮૦૦ કિલોગ્રામ થઈ ગયું! આ સફળતાના પગલે આદિતી હવે કુપોષણના લાલ ઝોનમાંથી બહાર આવીને લીલા (સામાન્ય) ગ્રેડમાં આવી ગઈ છે. પોષણ સંગમ કાર્યક્રમની સારવાર બાદ, આજે આદિતી એકદમ સ્વસ્થ, તંદુરસ્ત અને હસતું-રમતું બાળપણ માણી રહી છે.
રાજ્ય સરકારે લાભાર્થીઓના સર્વાંગી વિકાસ, આરોગ્ય, પોષણ અને શિક્ષણમાં સુધારો લાવવાના હેતુથી બાલ શક્તિના પેકેટો આપવાની પહેલ કરી છે. વડોદરા જિલ્લાના ડેસર ઘટકના ૪ સેજાના ૯૭ આંગણવાડી કેન્દ્રોમાં આ પોષણયુક્ત પેકેટો આપવામાં આવે છે, જેથી બાળકના વજનમાં વધારો થાય અને તે તંદુરસ્ત બને.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ બાળ વિકાસ યોજના વિભાગની આવી માનવીય અને સંવેદનશીલ પહેલો થકી, આદિતી જેવા અનેક બાળકોને બીમાર બાળપણમાંથી મુક્ત કરીને હસતું-રમતું અને તંદુરસ્ત બાળપણ આપવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ