વાઘોડિયા નગરપાલિકાના વોર્ડની રચના, સીમાંકન તથા બેઠક ફાળવણી અંગે રાજ્ય ચૂંટણી આયોગે પ્રાથમિક આદેશ પ્રસિદ્ધ
- ૨૦૧૧ ની વસતી ગણતરીને ધ્યાનમાં રાખીને ૬ વોર્ડની રચના કરવામાં આવી- કુલ ૨૪ બેઠકોમાંથી ૧૮ અનામત બેઠકો તો ૬ સામાન્ય બેઠકો, મહિલા માટે કુલ ૧૨ બેઠકો અનામત વડોદરા, 27 સપ્ટેમ્બર (હિ.સ.) વડોદરા જિલ્લાની વાઘોડિયા નગરપાલિકાના વોર્ડની રચના, સીમાંકન તથા અનામત
વાઘોડિયા નગરપાલિકાના વોર્ડની રચના, સીમાંકન તથા બેઠક ફાળવણી અંગે રાજ્ય ચૂંટણી આયોગે પ્રાથમિક આદેશ પ્રસિદ્ધ


- ૨૦૧૧ ની વસતી ગણતરીને ધ્યાનમાં રાખીને ૬ વોર્ડની રચના કરવામાં આવી- કુલ ૨૪ બેઠકોમાંથી ૧૮ અનામત બેઠકો તો ૬ સામાન્ય બેઠકો, મહિલા માટે કુલ ૧૨ બેઠકો અનામત

વડોદરા, 27 સપ્ટેમ્બર (હિ.સ.) વડોદરા જિલ્લાની વાઘોડિયા નગરપાલિકાના વોર્ડની રચના, સીમાંકન તથા અનામત બેઠકોની ફાળવણી અંગે રાજ્ય ચૂંટણી આયોગે પ્રાથમિક આદેશ પ્રસિદ્ધ કર્યો છે.

વર્ષ-૨૦૧૧ ની વસતી ગણતરીના આંકડાના આધારે વાઘોડિયા નગરપાલિકાને કુલ ૬ વોર્ડમાં વહેંચવામાં આવી છે અને કાઉન્સિલરોની કુલ ૨૪ બેઠકો નક્કી કરી છે. આ બેઠકોમાં ૧૮ અનામત બેઠકો છે અને ૬ સામાન્ય બેઠકો છે. અનામત બેઠકોમાં ૨ બેઠક અનુસૂચિત જાતિ માટે, ૪ બેઠક અનુસૂચિત આદિજાતિ માટે, પાંચ (૫) બેઠક પછાતવર્ગ માટે અને સામાન્ય વર્ગની મહિલા માટે સાત (૭) અનામત બેઠકનો સમાવેશ થાય છે.

કુલ ૨૪ બેઠકો પૈકી પચાસ ટકા એટલે કે ૧૨ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે, જેમાં અનુસૂચિત જાતિ મહિલા માટે એક બેઠક, અનુસૂચિત આદિજાતિ મહિલા માટે બે બેઠક, પછાતવર્ગ મહિલા માટે બે બેઠકો અને બાકીની બેઠકો સામાન્ય વર્ગની મહિલાઓ માટેનો સમાવેશ થાય છે.

અનામત બેઠકોની ફાળવણી વોર્ડવાર જોઈએ તો, વોર્ડ નંબર-૩ માં એક બેઠક અનુસૂચિત આદિજાતિ માટે, વોર્ડ નં-૨ અને ૬ ની એક-એક બેઠક અનુસૂચિત જાતિ માટે, વોર્ડ નં-૬ ની એક બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રી માટે, વોર્ડ નં-૧ અને ૫ ની બેઠકો અનુસૂચિત આદિજાતિ સ્ત્રી માટે અનામત રાખવામાં આવી છે. આવી જ રીતે વોર્ડ નં-૧, ૫ અને ૪ ની બેઠક પછાતવર્ગ માટે અને વોર્ડ નં-૨ અને ૩ ની બેઠક પછાતવર્ગ સ્ત્રીને ફાળવવામાં આવી છે.

આ પ્રમાણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ તથા પછાત વર્ગ (તે પૈકી સ્ત્રી અનામત બેઠક સહિતની) માટેની બેઠકોની ફાળવણી કર્યા પછી સ્ત્રી અનામત બેઠક અને બાકી રહેતી બેઠક બિન અનામત તરીકે ફાળવવામાં આવી છે.

મહત્વનું છે કે, રાજ્ય ચૂંટણી આયોગે વાઘોડિયા નગરપાલિકાના વોર્ડના સીમાંકન માટે જરૂરી માહિતી એકઠી કરી હતી તેમજ વર્ષ-૨૦૧૧ ની વસતી ગણતરીના છેવટના પ્રસિદ્ધ થયેલા આંકડા ધ્યાને લીધા હતા, જે પ્રમાણે નગરપાલિકાની કુલ વસતી ૨૩,૫૪૯ આવે છે. નગરપાલિકાને ૬ વોર્ડમાં વહેંચતા વોર્ડની સરેરાશ વસતી ૩૯૨૫ જેટલી થાય છે. એકત્રિત કરેલી માહિતીને આયોગે ચકાસણી કરી હતી, જે દરમિયાન એવું જાણવા મળ્યું છે કે, એકત્રિત કરાયેલી માહિતી પ્રમાણે કોઈપણ વોર્ડની વસતી સરેરાશ વસતીના ૧૦ ટકા વસતીના વધ/ઘટની મર્યાદાથી વધતી નથી કે ઘટતી નથી.

આ પ્રાથમિક આદેશ સામે કોઈ પણ નાગરિક કે જાહેર જનતાને સલાહ સૂચનો કરવાના હોય તો તેઓ સત્વરે રાજ્ય ચૂંટણી આયોગ (બ્લોક નંબર-૯, છઠ્ઠો માળ, સચિવાલય, ગાંધીનગર)ને મોકલી આપવા જણાવાયું છે. જેની એક નકલ જિલ્લા ચૂંટણી અધિકારીને પણ આપવાની રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande