વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મન કી બાત'ના ૧૨૬મા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળતા મુખ્યમંત્રી
અમદાવાદ, 28 સપ્ટેમ્બર (હિ.સ.): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ચાંદખેડાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ''મન કી બાત''ના ૧૨૬મા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન-જન સુધી પહોંચવા ૩ ઓક્ટોબર ૨૦૧૪ના રોજ વિજયાદશ
मन की बात के कार्यक्रम में संबोधित करते हुए मुख्यमंत्री


‘मन की बात’ का सीधा प्रसारण देखते हुए मुख्यमंत्री


અમદાવાદ, 28 સપ્ટેમ્બર (હિ.સ.): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ચાંદખેડાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મન કી બાત'ના ૧૨૬મા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન-જન સુધી પહોંચવા ૩ ઓક્ટોબર ૨૦૧૪ના રોજ વિજયાદશમીના દિવસે 'મન કી બાત' કાર્યક્રમ શરૂ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 'મન કી બાત' થકી નાગરિકો સાથે સંવાદ પણ સાધતા હોય છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 'મન કી બાત'ના ૧૨૬મા કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધિત કર્યા હતાં.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે 'મન કી બાત' એ એવો કાર્યક્રમ છે જેમાં સમાજજીવન અને જાહેરજીવનમાં પ્રેરણાદાયી કાર્યો કરનારા લોકોને દેશ જાણે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા નાના અને છેવાડાના માણસને મુખ્ય પ્રવાહમાં લાવવા કટિબદ્ધતા દર્શાવી છે. એટલે જ, દરેક સરકારી યોજનાને સામાન્ય માણસને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવે છે. સરકારી યોજનાના લાભો સેચ્યુરેશન સુધી પહોંચે એ વડાપ્રધાનનો સંકલ્પ છે એમ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનના માર્ગદર્શનમાં આજે સરકાર ગામેગામ સુધી પહોંચીને સરકારી યોજનાના મળવાપાત્ર લાભો નાગરિકોને આપે છે એમ જણાવીને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અનાજ વિતરણ, આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેકવિધ યોજનાના લાભો પાત્રતા ધરાવતા લોકોને ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર સતત પ્રયાસરત છે. આયુષ્યમાન યોજના આજે ગરીબો અને સામાન્યવર્ગની સંજીવની બની છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનએ આત્મનિર્ભર ભારત સંકલ્પ યાત્રા સ્વરૂપે જનઆંદોલન શરૂ કર્યું છે. ૨૫ સપ્ટેમ્બરથી ૨૫ ડિસેમ્બર સુધીના ૯૦ દિવસ સુધી ચાલનારા આ જનઆંદોલનમાં સ્વદેશી અને આત્મનિર્ભર ભારતની મુહિમને વેગવંતી બનાવીને લોકોને સક્રિય રીતે સ્વદેશી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. મુખ્યમંત્રીએ સ્વચ્છતા અભિયાન, કેચ ધ રેન, એક પેડ માં કે નામ જેવા જનઅભિયાનોનો ઉલ્લેખ કરીને ઉપસ્થિત સૌને સ્વદેશી અપનાવવા અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે ચાંદખેડામાં ચંદ્રેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીએ ચાંદખેડામાં સ્થાનિક દુકાનદારોની દુકાને નવા જીએસટી દરોના લાભો અંગેના સ્ટીકર લગાવીને નાગરિકો માટે લાભદાયી એવા નવા જીએસટી દરોને આવકાર્યા હતા.

'મન કી બાત'ની ૧૨૬મી કડીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ક્રાંતિવીર શહીદ ભગતસિંહ અને જાણીતા ગાયિકા લતા મંગેશકરની જયંતી નિમિત્તે તેમનું સ્મરણ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વડાપ્રધાનએ જણાવ્યું હતું કે નવરાત્રીના સમયમાં આપણે સૌ નારીશક્તિની ઉપાસના કરીએ છીએ. દેશની દીકરીઓ આજે દરેક ક્ષેત્રે સફળતાના શિખરો સર કરી રહી છે એમ જણાવીને વડાપ્રધાનએ નાવિકા સાગર પરિક્રમા પૂર્ણ કરનાર લેફ્ટેનન્ટ કમાંડર દિલના અને રુપા સાથે સંવાદ સાધ્યો હતો.

વડાપ્રધાનએ જણાવ્યું હતું કે છઠ્ઠ પૂજા યુનેસ્કો સાંસ્કૃતિક ધરોહર સૂચિમાં સામેલ કરવા કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે. તેમણે ઉમેર્યું હતું કે કોલકાતાની દૂર્ગા પૂજા પણ આવા પ્રયત્નોને લીધે આ સૂચિમાં સામેલ થઈ છે.

આગામી ૨જી ઓક્ટોબરના રોજ ઉજવાનાર ગાંધી જયંતીનો ઉલ્લેખ કરીને વડાપ્રધાનએ સૌને ખાદીની ચીજવસ્તુઓ ખરીદવા અને સ્વદેશી અપનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે 'વોકલ ફોર લોકલ' અને 'આત્મનિર્ભર ભારત'ના મંત્રને સાકાર કરવા પોતાનું સક્રિય યોગદાન આપવા સૌને અનુરોધ કર્યો હતો. જીએસટી બચત ઉત્સવનો ઉલ્લેખ કરીને આવનારા તહેવારો સ્વદેશી વસ્તુઓ સાથે ઉજવવા વડાપ્રધાનએ દેશવાસીઓને અનુરોધ કર્યો હતો. સાથે જ, તેમણે તમિલનાડુ, ઝારખંડ અને બિહારના સ્થાનિક સ્વદેશી સ્ટાર્ટઅપ્સને બિરદાવ્યા હતા.

વડાપ્રધાનએ આગામી વિજયાદશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાનો ઉલ્લેખ કરીને રાષ્ટ્રપ્રથમના ભાવ સાથે રાષ્ટ્રનિર્માણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહત્વપૂર્ણ યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આગામી ૭મી ઓક્ટોબરના રોજ મહર્ષિ વાલ્મિકી જયંતીનો ઉલ્લેખ કરીને મહર્ષિ વાલ્મિકીના રામાયણનો ઉલ્લેખ કરીને અયોધ્યામાં રામમંદિર, મહર્ષિ વાલ્મીકી અને નિશાદરાજ મંદિરની મુલાકાત લેવા વડાપ્રધાનએ ઉલ્લેખ કર્યો હતો.

વડાપ્રધાનએ શ્રીલંકાના કલાકારોએ ભૂપેન હઝારિકાના ગીતોને તેમની સ્થાનિક ભાષામાં રૂપાંતરિત કર્યા છે એ વાતને યાદ કરીને આસામના જ લોકપ્રિય ગાયક ઝુબીન ગર્ગના આકસ્મિક અવસાન પર શોક વ્યક્ત કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે જાણીતા વિચારક એસ.એલ. ભૈરપ્પાને પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

વડાપ્રધાનએ સૌને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા પણ અનુરોધ કર્યો હતો. તેમણે દેશવાસીઓને આગામી દિવાળી પર્વની આગોતરી શુભકામનાઓ પાઠવી હતી.

સ્થાનિક ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોરે આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા સૌને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ ચાંદખેડા વિસ્તારના વિકાસ માટે અને પાયાની જરૂરિયાતો માટે ૫૦૦ કરોડથી વધુની સહાય આપી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ વિસ્તારના વિકાસ માટે અને જનસુખાકારી માટે અનેકવિધ સુવિધાઓ ઉભી કરી છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ અવસરે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, રાજ્યસભા સાંસદ નરહરિ અમીન, સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, અગ્રણી પ્રેરકભાઇ શાહ, કાઉન્સિલરઓ, સામાજિક અને રાજકીય અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande