આજે રાજ્યભરમાં રાત્રે ૧૧ વાગ્યે એક સાથે 'ઓપરેશન સિંદૂર' પર ગરબા ઘૂમીને ગુજરાત ઈતિહાસ સર્જશે
ગાંધીનગર, 28 સપ્ટેમ્બર (હિ.સ.): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના તમામ ખેલૈયાઓ, ગરબા આયોજકો અને સંચાલકોને શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવવાની ભા
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી


ગાંધીનગર, 28 સપ્ટેમ્બર (હિ.સ.): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના તમામ ખેલૈયાઓ, ગરબા આયોજકો અને સંચાલકોને શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવવાની ભાવભીની અપીલ કરી છે. તેમણે રવિવાર, તારીખ ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સાતમના નોરતે રાત્રે બરાબર ૧૧:૦૦ કલાકે સમગ્ર ગુજરાતમાં એકસાથે ભારતીય સેનાના શૌર્યને સમર્પિત ‘ઓપરેશન સિંદૂર’ ગરબો વગાડીને દેશના વીર જવાનોને અનોખી સલામી આપવા માટે અનુરોધ કર્યો છે.

સંઘવીએ આ ઐતિહાસિક અવસરમાં જોડાઇને સૌને વિશ્વ વિક્રમ રચવા માટે પણ આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે, આવતીકાલે રાત્રે સમગ્ર ગુજરાત એક જ તાલે, એક જ સૂરમાં આપણી સેનાના સન્માનમાં ઓપરેશન સિંદૂર પર બનેલા ગરબે ઘૂમશે.

આ અંગે હર્ષભાઈ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, આદ્યશક્તિ મા અંબાની આરાધનાના આ પર્વમાં આપણે સૌ ઉત્સાહથી ગરબે ઘૂમી રહ્યા છીએ. આપણી આ ખુશી અને સલામતી પાછળ મા અંબાના આશીર્વાદની સાથે સાથે સરહદો પર ખડેપગે ઊભેલા આપણા વીર જવાનોનું શૌર્ય અને પરાક્રમ પણ છે. નવરાત્રિ એ શક્તિની ઉપાસનાનો તહેવાર છે અને આપણા સૈનિકો એ જ શક્તિ અને વિજયના સાચા પ્રતિક છે.

ગૃહ મંત્રીએ રાજ્યના તમામ ગરબા સંચાલકો, આયોજકો અને ડી.જે. મિત્રોને નમ્ર વિનંતી કરી છે કે તેઓ નિર્ધારિત સમયે દરેક શેરી, પોળ અને પાર્ટી પ્લોટમાં ‘ઓપરેશન સિંદૂર’ ગરબો વગાડે અને ખેલૈયાઓને તેના પર ગર્વભેર ઝૂમવા માટે પ્રેરણા આપે.

તેમણે ખેલૈયાઓને અપીલ કરતા કહ્યું કે, જ્યારે આ ગરબો વાગે, ત્યારે તમારા દરેક સ્ટેપમાં, દરેક તાલીમાં આપણા સૈનિકો માટે સન્માન અને કૃતજ્ઞતાનો ભાવ હોય. ચાલો, આપણે સૌ સાથે મળીને આ પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવીએ.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande