પાટણ, 30 સપ્ટેમ્બર (હિ.સ.)નવરાત્રીના આઠમના તહેવાર નિમિત્તે પાટણ જિલ્લાના રાધનપુર હાઇવે ચાર રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. તહેવાર દરમ્યાન વધેલી અવરજવર અને ગેરકાયદેસર રીતે કરાયેલ આડેધડ પાર્કિંગના કારણે રસ્તા પર વાહનો અટવાઈ ગયા હતા. પરિણામે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ વિસ્તાર પહેલેથી જ ટ્રાફિકની ગીચતા માટે ઓળખાય છે, જે તહેવારોના સમયમાં વધુ વિકટ બની જાય છે.
જામના કારણે અનેક એસ.ટી. બસો રસ્તામાં ફસાઈ ગઈ હતી, જેના કારણે મુસાફરો તેમના ગંતવ્ય સુધી સમયસર પહોંચી શક્યા નહોતા. વારંવાર આવો કૌભાંડ સર્જાતા સ્થાનિક લોકોમાં તંત્ર વિરુદ્ધ નારાજગી જોવા મળી હતી. લોકોનું કહેવું છે કે સમસ્યા લાંબા સમયથી યથાવત છે અને કોઈ મક્કમ પગલાં લેવામાં આવતાં નથી.
સ્થાનિકોનું માંગવું છે કે ટ્રાફિક વિભાગ આડેધડ પાર્કિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરે અને ચાર રસ્તા વિસ્તારમાં ટ્રાફિક નિયંત્રણ માટે કાયમી વ્યવસ્થા ગોઠવે, જેથી આવનારા દિવસોમાં આવા ટ્રાફિક જામની સમસ્યાથી લોકોને રાહત મળી શકે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ