પાટણ, 30 સપ્ટેમ્બર (હિ.સ.) હારીજના જલિયાણ ગ્રુપના મિતેશ ફરશુરામ ઠક્કરે નવરાત્રિ મહોત્સવ દરમિયાન સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને સમાજસેવાની અનોખી છાપ છોડી હતી. નવરાત્રિના આઠમના રોજ તેમણે 10 અલગ-અલગ માતાજીની માંડવીઓની મુલાકાત લીધી હતી અને દરેક ગરબી મંડળને ₹11,000નું દાન આપ્યું હતું. કુલ રૂ. 1.11 લાખનું દાન કરીને મિતેશભાઈએ ભક્તિ સાથે સેવા કાર્યનું સુંદર સંયોજન રજૂ કર્યું હતું.
મિતેશભાઈએ જલિયાણ સોસાયટી, અંબિકા નગર, દરજી સોસાયટી, રાવળવાસ ટેકરા, નાના ગણપતિ મંદિર પોળ, મધુવન સોસાયટી, પટેલ લાટી, ચિંતન બંગલોઝ, અંબેશ્વર ટાઉનશીપ અને અમૃતપુરા વિસ્તાર જેવી જગ્યાઓની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમના સાથે જલિયાણ ગ્રુપના સભ્યો ઉપરાંત નગરના કોર્પોરેટરો, યાર્ડના ડિરેક્ટર અને વિવિધ સામાજિક આગેવાનો જોડાયા હતા.
દરેક માંડવી ખાતે મિતેશ ઠક્કરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ 'ભામાશા' તરીકે જાણીતા છે અને તબીબી સહાય સહીત અનેક માનવતાવાદી કાર્યોમાં સતત સક્રિય છે. જરૂરિયાતમંદ પરિવારને સહાયરૂપ થવા માટે તેઓ સતત પ્રયાસશીલ રહે છે, અને તેમના સમાજપ્રેમને સમગ્ર વિસ્તારમાં ખૂબ પ્રશંસા મળે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ