પાટણ, 5 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેર અને જિલ્લામાં ઇસ્લામ ધર્મના પવિત્ર પયગંબર હઝરત મુહમ્મદ મુસ્તુફા સાહેબના જન્મદિન – ઇદે મિલાદુન્નબીની ઉજવણી શ્રદ્ધાભાવી અને ઉત્સાહપૂર્વક કરવામાં આવી. વહેલી સવારે મસ્જિદોમાં સલાતો-સલામ અને મિલાદ શરીફના ગુંજન સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાયા. શહેરના ઇકબાલ ચોકથી યંગ કમિટી દ્વારા વિશાળ જૂલુસ કાઢવામાં આવ્યું જેમાં બોકરવાડા, ટાંકવાડા અને કાજીવાડાના મુસ્લિમ બિરાદરો પણ જોડાયા.
આ શ્રદ્ધાર્થ જૂલુસ ટાંકવાડા ચાર રસ્તા, મુલ્લાવાડ, લોટેશ્વર ચોક, પીંડારીયાવાડા, પીંજારકોટ, હજરત ગંજશહીદપીરની દરગાહ, બુકડી અને પાંચપાડા સહિત શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયો. જૂલુસમાં ગુંબદે ખિજરા અને મસ્જિદે નબવીની અદભૂત પ્રતિકૃતિઓ રજૂ કરવામાં આવી. નાના બાળકો ઊંટલારીઓ પર બેઠા હતા અને ઝંડા ફરકાવતા શ્રદ્ધાભાવ દર્શાવતા હતા. રસ્તાઓ પર ઠેર-ઠેર ન્યાઝ અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જુલુસ દરમિયાન હિન્દુ અને મુસ્લિમ અંકિદતમંદોએ ભાઈચારાની ભાવનાને ઉજાગર કરતા ગુંબદે ખિજરા પર પુષ્પવર્ષા પણ કરી. દાઉદ કાઝી સાહેબે ઇદે મિલાદુન્નબીના મહત્ત્વને સમજાવતા દરેક મુસ્લિમ ભાઈને આ પવિત્ર દિવસે જોડાવાનું આહ્વાન કર્યું. કાર્યક્રમના અંતે મૌલાના જલાલુદ્દીન હસ્મતીએ દુઆ કરાવી હતી અને સમગ્ર ઉજવણી ધાર્મિક, શાંતિમય અને ભક્તિમય માહોલમાં પૂર્ણ થઈ.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ