ગીર સોમનાથ, 5 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. આ ગણેશોત્સવમાં ‘ઓપરેશન સિંદૂર’, ‘વોકલ ફોર લોકલ’, ‘મેક ઈન ઈન્ડીયા’ જેવા વિવિધ થીમ આધારીત ગણેશ પંડાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.
પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર જિલ્લાની સાથે ગીર સોમનાથ જિલ્લાવાસીઓ ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા છે. સૂત્રાપાડા બંદર મુકામે આવેલ દક્ષા નગરમાં શ્રી ગજાનંદ મિત્ર મંડળ દ્વારા બાર જ્યોતિર્લિંગ અને ઓપરેશન સિંદૂરની થીમ સાથે ગણેશ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.‘ઓપરેશન સિંદૂર’ની થીમ પર સજાવટ કરતા પંડાલના આયોજકોએ ભારતીય સૈન્યના અદમ્ય સાહસ અને શૌર્યને બીરદાવ્યું હતું. આ પંડાલમાં દૂંદાળા દેવની આસપાસ દેશના શૌર્યની ઝાંખી કરાવતું પ્રદર્શન ‘ઓપરેશન સિંદુર’, ભારતીય આર્મી દ્વારા ઉપયોગમાં લેવાતા હેલિકોપ્ટર્સ, આર્મી ટેન્ક, બૂલેટપ્રૂફ જેકેટ્સ વગેરેની પ્રતિકૃતિઓ દર્શાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર આતંકવાદીઓએ કરેલા બર્બરતાપૂર્ણ હૂમલાનો ભારતીય સેનાની ત્રણેય પાંખોએ સંયુક્ત રીતે “ઓપરેશન સિંદૂર” થકી જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય સૈનિકોને ‘ઓપરેશન સિંદૂર’ની થીમ થકી બીરદાવવાની ગજાનંદ મિત્ર મંડળની મહેનત દર્શનાર્થીઓને સ્પર્શી ગઈ હતી.
આ ઉપરાંત પંડાલના દર્શને આવતાં દર્શનાર્થીઓને ગણેશોત્સવની સાથે જ સોમનાથ, મહાકાલ, મલ્લિકાર્જુન, ઘૂશ્મેશ્વર, ઓમકારનાથ, વૈદ્યનાથ સહિત બાર જ્યોતિર્લિંગનો દર્શન અનુભવ માણ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ