
નવી દિલ્હી, 10 જાન્યુઆરી (હિ.સ.). રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે, શનિવારે યુવાનોને દૂરંદેશી નિર્ણયો લેવા વિનંતી કરી અને કહ્યું કે, યુવાનોનું મનોબળ આખરે રાષ્ટ્રની સાચી તાકાત બની જાય છે.
અજિત ડોભાલે, આજે યુવા બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત યંગ લીડર્સ ડાયલોગમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે યુવાનોને સંબોધતા, તેમણે નિર્ણય લેવાની પ્રક્રિયાને મહત્વપૂર્ણ ગણાવી અને તેમને કોઈપણ પગલાં લેતા પહેલા બે ડગલાં આગળ વિચારવા અને પહેલા વિકલ્પો પર વિચાર કરવા વિનંતી કરી.
ડોભાલે કહ્યું કે, વૈશ્વિક સ્તરે સંઘર્ષો મૂળભૂત રીતે કોઈનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ છે. જો મનોબળ નબળું હોય, તો શસ્ત્રો પણ બિનઅસરકારક બની જાય છે. તેમણે આ સંદર્ભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી.
ઇતિહાસને એક મહત્વપૂર્ણ પાઠ ગણાવતા તેમણે કહ્યું કે, જો ભાવિ પેઢીઓ તેમાંથી શીખ નહીં લે, તો આથી મોટી દુર્ઘટના કોઈ નહીં હોય. તેમણે કહ્યું કે, ભૂતકાળમાં આપણે આપણી સુરક્ષા અને જોખમોને યોગ્ય રીતે સમજવામાં નિષ્ફળ ગયા, જેના કારણે ઇતિહાસમાંથી કઠોર પાઠ શીખવા મળ્યા. હવે સમય છે કે, આપણે આપણા ઇતિહાસમાંથી શીખીએ અને દેશને એવી ઊંચાઈએ લઈ જઈએ જ્યાં આપણે આપણી ઓળખ અને શ્રદ્ધાના આધારે એક મહાન ભારતનું નિર્માણ કરી શકીએ.
ડોભાલે યુવાનોને ફક્ત યોગ્ય નિર્ણયો લેવા જ નહીં, પણ તેમને સાચા સાબિત કરવા પણ વિનંતી કરી. પોતાના નિર્ણયોમાં અડગ રહીને મજબૂત નેતૃત્વનું નિર્માણ થાય છે. તેમણે કહ્યું કે, પ્રેરણા ક્ષણિક છે, પરંતુ જ્યારે તેને જીવન શિસ્ત તરીકે અપનાવવામાં આવે છે, ત્યારે તે એક આદત બની જાય છે.
તેમણે વિલંબ કરવાની વૃત્તિ છોડીને ખંતથી કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, યુવાનોના મનોબળથી દેશનું મનોબળ મજબૂત બને છે.
હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ