


ગાંધીનગર, 12 જાન્યુઆરી (હિ.સ.) : ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને એન.જે.ગ્રૂપના સહયોગથી સીધી રાજ્યકક્ષાની અંડર–11 એથ્લેટિક્સ મીટની ચોથી સિઝનનું આયોજન તા. 9 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી દરમિયાન સુરત ખાતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના સિંથેટિક ટ્રેક પર કરવામાં આવ્યું હતું. ચાર દિવસીય એથ્લેટિક્સ મીટમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી કુલ 3917 બાળખેલાડીઓએ ભાગ લીધો હતો. જેઓને મેડલ, પ્રમાણપત્ર અને 22 લાખની ઈનામી રાશિથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અંડર-11 એથ્લેટિક્સ મીટમાં અંડર-11 ભાઈઓ અને બહેનો તેમજ અંડર-9 ભાઈઓ અને બહેનો એમ ચાર કેટેગરીમાં 60 મીટર, 100 મીટર, 200 મી., 400 મી. દોડ, હર્ડલ રેસ, ટેનિસ બોલ થ્રો, મેડિસિન બોલ થ્રો, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, લોંગ જમ્પ, હાઈ જમ્પ અને જેવલિન થ્રો જેવી 11 રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તા.9 જાન્યુઆરીએ અં-11 બહેનો, તા.10 જાન્યુઆરીએ અં-9 ભાઈઓ, તા.11મીએ અં-11 ભાઈઓ અને તા.12મીએ અં-9 બહેનોની પ્રતિસ્પર્ધા યોજાઈ હતી. વિજેતા બાળકોને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત-SAG દ્વારા લેવાતી DLSS-ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ પરીક્ષા આપવાની સીધી તક મળશે, જે બાળકોની રમતગમતની કારકિર્દી માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા અગાઉ આયોજિત સીધી રાજ્ય કક્ષાની અંડર–11 એથ્લેટિક્સ મીટની ત્રણ સિઝનમાં કુલ 20, 000 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આમાંથી અનેક બાળકો આજે રમતગમતના ક્ષેત્રે ભારત માટે ઓલિમ્પિક રમવાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. આ સ્પર્ધા થકી અનેક બાળકોએ ડીએલએસએસ શાળામાં પ્રવેશ મેળવ્યા છે.
કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદમાં યોજાવાની છે અને જ્યારે ઓલ્મ્પિક 2036 ગેમ્સની યજમાની માટે પણ ભારત સતત પ્રય્તનશીલ છે ત્યારે ઓલિમ્પિક માટે બાળકોને અત્યારથી તૈયાર કરવા માટે છેલ્લા પાંચ વર્ષથી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા ઓલિમ્પિકની જેમ અંડર-11 એથ્લેટિક્સ મીટ યોજાવવામાં આવી રહી છે.
અંડર-11 એથ્લેટિક્સના અંતિમ દિવસે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, એન.જે.ગ્રૂપના કો-ફાઉન્ડર અને પ્રમોટર નીરજ ચોકસી, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી.એસ. જોષી, કુલસચિવ ડૉ. નીલેશ પંડ્યા, યુનિવર્સિટીના બ્રાન્ડ એમ્બેસડર ભાવિકા મહેશ્વરી, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપક કિર્તીબેન માટલીવાલા, સામાજિક કાર્યકર મહારૂખ કરંજિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ