
નવી દિલ્હી, 5 જાન્યુઆરી (હિ.સ.). કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલે, સોમવારે અહીં નમામી ગંગે કાર્યક્રમની 17મી સશક્ત ટાસ્ક ફોર્સ (ઈટીએફ) બેઠકમાં પાંચ મુખ્ય પ્રદૂષણ નિયંત્રણ પ્રોજેક્ટ્સ પૂર્ણ થવા પર ખુશી વ્યક્ત કરી. બેઠકમાં ગંગાની સફાઈને ઝડપી બનાવવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો.
જળ શક્તિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડેટા-આધારિત નિર્ણય લેવા, ડ્રેનેજ મેપિંગ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સનું સ્માર્ટ મોનિટરિંગ અને પ્રદૂષણ નિયંત્રણ પ્રોજેક્ટ્સની પ્રગતિને મુખ્ય સિદ્ધિઓ તરીકે પ્રકાશિત કરવામાં આવી હતી. બેઠકમાં ગંગા કાયાકલ્પ માટે ટકાઉ અને મજબૂત વ્યવસ્થાપન માળખું બનાવવામાં સંકલિત ડ્રેઇન મોનિટરિંગ ડેશબોર્ડ અને સીસીટીવી-આધારિત સ્માર્ટ એસટીપી મોનિટરિંગ સિસ્ટમની મહત્વપૂર્ણ ભૂમિકા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
મંત્રી પાટીલે, ચાલુ વર્ષમાં પૂર્ણ થયેલા 15 પ્રદૂષણ નિયંત્રણ પ્રોજેક્ટ્સને ગંગા કાયાકલ્પ તરફ નોંધપાત્ર સિદ્ધિઓ ગણાવી. ઉત્તર પ્રદેશે છ પ્રોજેક્ટ્સ સાથે આગેવાની લીધી, જ્યારે બિહાર અને પશ્ચિમ બંગાળે અનુક્રમે ચાર અને ત્રણ પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા. ઉત્તરાખંડ અને દિલ્હીએ એક-એક પ્રોજેક્ટ પૂર્ણ કર્યો.
આ બેઠકમાં ટ્રીટેડ ગંદા પાણીના પુનઃઉપયોગ, જળચર મેપિંગ, પેલિયો-ચેનલ અભ્યાસ, બાયોરેમીડિયેશન અને નવીન ગટર શુદ્ધિકરણ પ્રોજેક્ટ્સ જેવા સંશોધન-આધારિત ઉકેલો પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. પાટીલે રાજ્યોને રાષ્ટ્રીય માળખા અનુસાર ટ્રીટેડ પાણીના સુરક્ષિત પુનઃઉપયોગ માટે નીતિ ઝડપથી જાહેર કરવા નિર્દેશ આપ્યો હતો.
બેઠકમાં ડ્રેનેજ મેપિંગ માટે હાથ ધરવામાં આવેલા હવાઈ સર્વેક્ષણો અને ઉત્તર પ્રદેશમાં ગંગા નદીના ડ્રેનેજ સિસ્ટમના ભૌગોલિક માહિતી પ્રણાલી (જીઆઈએસ) આધારિત વિઝ્યુલાઇઝેશન ડેશબોર્ડની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
પાટીલે જણાવ્યું હતું કે, ઉચ્ચ-રિઝોલ્યુશન હવાઈ સર્વેક્ષણ પૂર્ણ થઈ ગયું છે અને તેને 2-ડી અને 3-ડી વિઝ્યુલાઇઝેશન ક્ષમતાઓ સાથે લાઇવ જીઆઈએસ ડેશબોર્ડમાં સંકલિત કરવામાં આવી રહ્યું છે. આ ડેશબોર્ડ પ્રદૂષણના હોટસ્પોટ્સને ઓળખવામાં અને ઉપચારાત્મક પગલાંને પ્રાથમિકતા આપવામાં મદદ કરશે.
સશક્ત ટાસ્ક ફોર્સે સ્વચ્છ ગંગા મિશનના વાર્ષિક હિસાબોને મંજૂરી આપી અને નાણાકીય શિસ્ત પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો. એસટીપી મોનિટરિંગને વધુ મજબૂત બનાવવા માટે સીસીટીવી-આધારિત રીઅલ-ટાઇમ મોનિટરિંગ અને એઆઈ-સક્ષમ ફીચર એક્સટ્રેક્શન સિસ્ટમ્સને એકીકૃત કરવાની યોજના પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જળ શક્તિ રાજ્યમંત્રી રાજભૂષણ ચૌધરી, જળ સંસાધન વિભાગના સચિવ વી.એલ. કંતા રાવ, પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગના સચિવ અશોક કે.કે. મીણા અને રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનના મહાનિર્દેશક રાજીવ કુમાર મિત્તલ હાજર રહ્યા હતા. એનએમસીજી ના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ નલિન શ્રીવાસ્તવ, પ્રોજેક્ટ ડિરેક્ટર બ્રિજેન્દ્ર સ્વરૂપ અને ટેકનિકલ ડિરેક્ટર અનુપ કુમાર શ્રીવાસ્તવ સહિત અનેક મુખ્ય અધિકારીઓએ પણ હાજરી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ