
- ઢોલ-નગારા, શંખનાદ અને ‘હર હર મહાદેવ’, ‘જય સોમનાથ’ના નાદથી સાબરમતી રેલવે સ્ટેશન ગૂંજી ઉઠ્યું
- સાબરમતીથી કુલ 1292 યાત્રાળુઓએ પવિત્ર સોમનાથની યાત્રાનો આરંભ કર્યો
- ભારતની આધ્યાત્મિક ઊર્જા, સાંસ્કૃતિક ગૌરવ અને રાષ્ટ્રીય સ્વાભિમાનની ભાવનાને વધુ મજબૂત બનાવતી અવિસ્મરણીય યાત્રા
અમદાવાદ,08 જાન્યુઆરી (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 8 થી 11 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાઈ રહેલા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ભવ્ય ઉજવણી થનાર છે. ત્યારે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી વેરાવળની સ્પેશિયલ ટ્રેનને સાંસદ દિનેશ મકવાણા, મેયર પ્રતિભા જૈન તથા શહેર ભાજપા પ્રમુખ પ્રેરક શાહ દ્વારા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું.
ભારતની સનાતન ચેતનાની અડગ આસ્થા અને રાષ્ટ્રીય સ્વાભિમાનની ભાવનાને ઉજાગર કરતા આ અવસરે સાબરમતી રેલવે સ્ટેશન ઢોલ-નગારા, શંખનાદ અને ‘હર હર મહાદેવ’ તથા જય સોમનાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તિભાવથી ઓતપ્રોત માહોલ સર્જાયો હતો.
આ સ્પેશિયલ ટ્રેનમાં કુલ 1292 યાત્રાળુઓએ પવિત્ર સોમનાથની યાત્રાનો આરંભ કર્યો હતો. જેમાં વિવિધ વયજૂથના ભક્તો, પરિવારજનો, વડીલો અને યુવાનોનો સમાવેશ થતો હતો.
સૌ યાત્રાળુઓમાં સોમનાથ મહાદેવનાં દર્શન માટે અભૂતપૂર્વ ઉત્સાહ અને ભાવનાત્મક ઉમંગ જોવા મળ્યો હતો.
સોમનાથ સ્વાભિમાન પર્વ ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતના ગૌરવની ઉજવણીરૂપ કાર્યક્રમ છે. જે રાષ્ટ્રીય સ્વાભિમાનની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.
સોમનાથ મહાદેવના મંદિર સાથે જોડાયેલી ઐતિહાસિક ગાથાઓ, ભારતની અડગ શ્રદ્ધા, આક્રમણો સામે અવિચલ રહેલી સંસ્કૃતિ અને રાષ્ટ્રના સ્વાભિમાનની પ્રતીકરૂપ ઓળખને આ પર્વ દ્વારા પુનઃસ્મરણ કરવામાં આવી રહી છે.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્તબદ્ધ આયોજન, સુરક્ષા વ્યવસ્થા અને યાત્રાળુઓની સુવિધાઓ માટે રેલવે તંત્ર, જિલ્લા વહીવટી તંત્રના સુમેળભર્યા સંકલનની યાત્રાળુઓએ સરાહના કરી, આ અનોખી વ્યવસ્થા બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ